અમદાવાદ: સાયબર ક્રાઈમે 6 ડિસેમ્બર 2019ના રોજ બનાવટી ફિંગર પ્રિન્ટનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં એક ઈસમ સરકારી અનાજની દુકાનોના સંપર્ક કરી રેશનકાર્ડ ધારકોના ડેટા મેળવી રબર જેવા મટીરીયલ્સનો ઉપયોગ કરીને ફિંગર પ્રિન્ટ બનાવતો હતો અને દુકાનદારોને વેંચતો હતો. જેથી દુકાનદારો આ ડેટાના આધારે નકલી બિલ બનાવી રાશન મેળવી આર્થિક ફાયદો લેતા હતા. આ મામલે સાયબર ક્રાઈમે 37 આરોપીઓની ધરપકડ કરી હતી.
37 આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા અને અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા. ત્યારે સાયબર ક્રાઈમે વધુ 5 આરોપીની રાજકોટથી ધરપકડ કરી હતી. જેથી આ આંક 42 થયો હતો. તાજેતરમાં ઝડપાયેલા 5 આરોપીઓએ ફિંગર પ્રિન્ટના આધારે આર્થિક ફાયદો મેળવ્યો છે.
ધરપકડ કરાયેલા હસમુખ રાણાએ 40, દિલીપ દેસાઈએ 35, અનિલ જેઠવાએ 30 અને રવીરાજ પીપળીયાએ 30 ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કર્યો છે, જ્યારે વિજય પવાર નામનો આરોપી રાજકોટ માલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.
આ સમગ્ર મુદ્દે કુલ 42 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાઈબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.