- કોરોનાના લાંબા સમય બાદ અમદાવાદમાં લોક અદાલત યોજાઇ
- અમદાવાદના મીરજાપુર કોર્ટમાં લોક અદાલત યોજાઇ
- કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાઈ લોક અદાલત
અમદાવાદ: લાંબા સમય બાદ લોક અદાલત યોજાતા શનિવારે મહત્વપૂર્ણ આદેશ લોક અદાલત દ્વારા આપવામાં આવ્યો હતો. આ માટેની વધુ વિગત આપતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જયેશ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરી માહિતી આપી હતી. નામદાર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા પ્રત્યક્ષ સુનાવણીની મંજૂરી મળતા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ નરેશ દવેએ તેમનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: કોરોના મહામારીને કારણે પ્રથમવાર ઈ-લોક અદાલત યોજાશે
લોક અદાલત દ્વારા અપાયો નિરાધારને ન્યાય
પન્ના બેન પટેલનું વાહન અકસ્માત દરમિયાન મૃત્યુ નિપજતાં તેમના પુત્રીએ કોર્ટમાં વળતરની માંગણી કરી હતી. મહત્વનું છે કે, કેટલાક સમય પહેલા પન્નાબેનના પતિનો પણ દેહાંત થઈ જતા તેમના બાળકો નિરાધાર થયા હતા. પન્નાબેન પોતાના એક્ટિવા સાથે જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર સાથે તેમને અકસ્માત નડયો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પિતા બાદ એકાએક માતાનું પણ દેહાંત થઈ જતા બાળકો નિરાધાર થયા હતા. વળી શિક્ષણની સાથે તેમના ભવિષ્ય ઉપર પણ સંકટ હતું. લોક અદાલતે આ કેસમાં વારંવાર સીટીંગ કરી અને પન્ના બેનના દીકરા અને દીકરીને રૂપિયા 71 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. જે શનિવારે ચૂકવી આપવામાં આવ્યા હતા.