અમદાવાદઃ અસારવા સિવિલ હોસ્પિટલ બાદ મણિનગર ખાતે આવેલી એલ.જી.હોસ્પિટલમાં પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીઓ દ્વારા સેફટી સાધનોના અભાવે સામાજિક અંતર રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારી એલ.જી. હોસ્પિટલના પરિસરમાં જ શાંતિપૂર્ણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગત સપ્તાહ દરમિયાન અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ દ્વારા સેફટી સાધનોનો અભાવ અને જમવાની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.
નોંધનીય છે આરોગ્ય અને અન્ય ખાતાઓ સાથે સંકળાયેલા 30 થી વધુ સરકારી કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરના આઠ જેટલા પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે. હોસ્પિટલમાં નર્સ અને ડોક્ટરને પણ ચેપ લાગ્યા હોવાના કિસ્સા સામે આવ્યાં છે ત્યારે કોરોના વોરીયર્સ તરીકે કામ કરતા કેટલાક મેડિકલ સ્ટાફને હજી પણ સેફ્ટીના પુરતા સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યાં નથી. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1800 પાર પહોંચી ચૂકી છે. જે પૈકી ૧૧૦૦ જેટલા કેસ અમદાવાદમાં જ નોંધાયાં છે.