- IIMAનું નવીનીકરણ બની રહ્યું છે વિવાદી
- વિખ્યાત આર્કિટેક્ટ લૂઈસ કહાનની અદભૂત સ્થાપત્યકળાનો નમૂનો છે IIMA
- વિદ્યાર્થી ડોર્મ તોડી નાંખવાના નિર્ણયને લઇને ભારે વિરોધ
- લૂઈસ ક્હાનના ત્રણ સંતાનોએ ડોર્મ જાળવી રાખવા પત્ર લખ્યો
અમદાવાદઃ શહેરની ભવ્યતા અને ઐતિહાસિક ઓળખની વાત નીકળે ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનું નામ ચોક્કસ સામે આવે છે. ગુજરાત જ શુંકામ, ભારત અને વિદેશોમાં પણ આ સંસ્થા જેનું ટૂંકુ નામ લેવામાં આવે છે. IIMA આપણા દેશના મહાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈનું સ્વપ્ન કાર્ય પણ છે. વર્લ્ડક્લાસ એવો શબ્દ જ્યારે ફેશન બન્યો ન હતો ત્યારે વર્લ્ડ ક્લાસ સંસ્થા બનાવવા માટે એવન કલાસ સ્ટ્રકચર બને તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વર્ષ 1961માં વિક્રમ સારાભાઈના અનુરોધ પર લૂઇસ કહાન, જે તે સમયના વિખ્યાત અમેરિકન આર્કિટેક્ટ ગણાતાં હતાં. તેમણે ભારત આવીને આ સંસ્થાની ઇંટે-ઇંટનું કામ જોયું હતું અને વિશ્વ વિખ્યાત સંસ્થાનોમાં IIMAનું નામ ગૌરવપૂર્વક લેવાતું થાય એવી વિક્રમ સારાભાઈની ઇચ્છા મૂર્તિમંત બની હતી.
- આ પૂર્વભૂમિકા યાદ કરાવવી આજે જરૂરી બન્યું
આગામી દિવસોમાં IIMA પાસેથી નીકળો તો તોડફોડના હથોડા સાંભળવા મળશે, જો લૂઈસ ક્હાનની યાદગાર જેવી સંસ્થાને ઐતિહાસિક વારસો ગણીને સાચવવાનો ઇરાદો નહીં હોય તો... આમ તો વિદ્યાર્થી હોસ્ટેલને તોડીને નવા બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય આજકાલનો નથી. લાંબા સમય પહેલાં પણ આ હિલચાલ શરૂ થઈ ગઇ હતી. જ્યારે સંસ્થા પરિસરના પુસ્તકાલયને તોડીને નવું બનાવવામાં આવ્યું હતું. આપને જણાવીએ કે, IIMA પરિસરમાં આવેલું પુસ્તકાલય પણ લૂઈસ કહાનને વશીભૂત કરી દેતી સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના સમાન હતું. 2014માં લાયબ્રેરી અને સંચાલન ઓફિસના બ્લોકનું સમારકામ હાથ ધરવાનું હતું ત્યારે એક સ્પર્ધા યોજવામાં આવી હતી કે, સંસ્થાની ઐતિહાસિકતાને બરકરાર રાખીને કોણ આ કામ સારી રીતે કરી શકશે. ત્યારે મુંબઇની એક કંપની સોમાયા અને કલાપ્પા કન્સલટન્ટ્સ-એસએનકેને કેમ્પસ સમારકામની કામગીરી માટે પસંદ કરવામાં આવી હતી. તમને જણાવીએ કે આ કાર્ય કરવા માટે 2019માં આ કંપનીને યુનેસ્કો એવોર્ડ પણ મળ્યો છે.
- શા માટે લેવાયો ડોરર્મેટ્રી તોડી પાડવાનો નિર્ણય?
વિશ્વની મોટી કંપનીઓમાં સીઈઓ બની શકતાં IIMAના વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં રહેવાની વ્યવસ્થા છે જે ડોર્મ્સ તરીકે ટૂંકમાં જાણીતી છે. આવી વિદ્યાર્થીઓને રહેવા માટેની એક નહીં, બે નહીં, કુલ 18 બિલ્ડિંગ બનાવવામાં લૂઇસ કહાનની મહેનત લેખે લાગેલી છે. અદભૂત પ્રકાશ સંયોજન ધરાવતી આ ડોરમેટ્રીઓ છે. છેક છ્ઠા દશકમાં બનેલી આ ઇમારતો તોડી પાડવાનો નિર્ણય લેવો સંસ્થાના સંચાલકો માટે પણ આસાન તો નથી જ. કારણ કે, અત્યંત પ્રતિષ્ઠિત ઇમારતનો આ મહત્ત્વનો હિસ્સો છે અને તેનું મહત્ત્વ શું છે તે સૌ લોકો જાણે છે. પરંતુ સંસ્થાના વહીવટકર્તાઓનું કહેવું છે કે, પાછલાં કેટલાક વર્ષોમાં આ ઇમારતો ખખડી ગઈ છે અને તેમાંથી સ્લેબ ખરી રહ્યાં છે. 2001ના ભૂકંપ પછી ઇમારતની રચના નબળી પડી છે. બીજુ એક કારણ પણ છે કે હાલની 18 ઇમારતોમાં કુલ 500 વિદ્યાર્થીઓ રહી શકે છે. જ્યારે નવા બનનાર સંકુલમાં 800 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાશે.
- વિવાદનો મૂળ મુદ્દો આ છે
IIMA કેમ્પસનું સ્થાપત્ય ખુદ એક ઐતિહાસિક વારસો હોવાનું તેના વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવે છે. ત્યારે તેની ઓળખ જેવી રચનાઓને મિટાવવાનો અર્થ તેની ભવ્યતાને ભૂલાવી દેવાનો પણ થાય છે. એકતરફ કેમ્પસમાં જ જ્યાં લાયબ્રેરી અને મુખ્ય ઓફિસનું સમારકામ કરીને ઇમારતની ઓળખને યથાવત રાખીને સમારકામ ચાલી રહ્યું છે. તો એ જ રીતે ડોર્મ્સની ઐતિહાસિકતાને જાળવવા માટે સમારકામનો વિકલ્પ કેમ નથી અપનાવાતો? એસએસકે કંપની દ્વારા આ કામ કરવામાં આવી જ રહ્યું છે, તો વિદ્યાર્થી હોસ્ટેલ-છાત્રાલયને તોડી પાડવાના નિર્ણય પર ફેરવિચાર થવો જોઇએ તેવું માનનારાની સંખ્યા વધારે છે. આ બાબતે આર્કિટેક્ચર નિષ્ણાતો, ફેકલ્ટીઝ અને સ્વાભાવિક જ વિદ્યાર્થીઓ પણ સહમત નથી.
- IIMAના ડિરેક્ટરે લખ્યો છે આ મુદ્દે પત્ર
ડોર્મ્સ તોડવાના નિર્ણયને લઇને ભારે વિવાદ પછી IIMA ડિરેક્ટર એરોલ ડીસૂઝાએ IIMA એલ્યૂમનાઈને 11 પેજનો પત્ર લખ્યો છે. જેમાં તેમણે પોતાનો પક્ષ રાખતાં જણાવ્યું છે કે, હવે તે ડોર્મ્સમાં રહેવાનું મુશ્કેલ છે અને તેમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાઈ શકે છે.
- લૂઈસ કહાનનો વારસો જાળવવા માટે તેમના ત્રણ સંતાનોએ પત્ર લખ્યો
લૂઈસ કહાનના ઐતિહાસિક વારસા સમી IIMAની દરેક બિલ્ડિંગ બનાવવામાં તેમણે તનતોડ મહેનત કરી બ્રિક વર્કની સુંદરતાને વિશ્વ સમક્ષ મૂકી હતી. ત્યારે એવી ઇમારતોને તોડી પાડવાના પ્રયાસને લઇને લૂઈસ કહાનના ત્રણ સંતાનો- બે પુત્રીઓ અને એક પુત્રે IIMA સંસ્થાના ડિરેક્ટરને પત્ર લખતાં જણાવ્યું છે કે, આમ કરવાથી મોડર્ન આર્કિટેક્ચરનો વારસો ખતમ થઈ જશે. તેને તોડી પાડવામાં ન આવે અને નિર્ણય પર ફેરવિચારણા કરવામાં આવે. એટલું જ નહીં, સંસ્થાની બોર્ડ મીટિંગમાં તેઓને આ વિશે બોલવાની તક પણ આપવામાં આવે.
- ત્રણેય સંતાનો પહેલાં આ પણ રીસ્ટોરેશન વર્ક કરી ચૂક્યાં છે
લૂઈસ કહાનના સંતાનો સૂઈ એન્ન કહાન, એલેકઝાન્ડ્રા ત્યાંગ અને નેથનયેલ કહાને તેમના પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, અમારી સાથે મુલાકાત દરમિયાન તમે અમને ખાતરી આપી હતી કે, IIMAની ડોરમેટરી બિલ્ડિંગના ભવિષ્ય અને સાચવણી બાબતે તમે સહમત છો અને જ્યારે પણ કોઇ નિર્ણય લેવાશે તો તેમને વિશ્વાસમાં લેવામાં આવશે. ડોર્મ્સ તોડવાના નિર્ણય અંગે અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે, ફેરવિચારણા કરવામાં આવે અને તમામ બિલ્ડિંગ તોડી પાડવાના બદલે રીસ્ટોરેશન અથવા તો અન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તેવો અનુરોધ છે.
- ડોર્મ્સ તોડી પાડવાનો નિર્ણય 'ડીઝાસ્ટર' તરીકે ઓળખાયો
ઉલ્લેખનીય છે કે લૂઈસ કહાનના સંતાનો દ્વારા તેમના પિતા દ્વારા રચાયેલી આ વિશ્વસ્થાપત્યની કક્ષાની ઇમારતોને સાચવવા માટે મદદ કરવા પણ તૈયારી દર્શાવાઈ છે. તેમણે લૂઈસ કહાનના અન્યત્ર આવેલાં સ્થાપત્યોની જાળવણી માટે કરેલાં પ્રોજેક્ટોના ઉદાહરણો અંગે પણ IIMAના સંચાલકોને જાણકારી આપી છે. તેમણે ડોર્મ્સ તોડી પાડવાના નિર્ણયને 'ડીઝાસ્ટર' તરીકે ઓળખાવી છે. લૂઈસ કહાનના સંતાનો અને ડીસૂઝા પેનસિલ્વેનિયા યુનિવર્સિટીમાં મે 2018ના સમયગાળામાં મુલાકાત કરી હતી અને આ મુદ્દે ચર્ચા કરી હતી તેમ કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું.