- ગટર, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ
- કાઉન્સિલરોના કામોથી સ્થાનિકો નારાજ
- માત્ર ચૂંટણીટાણે જ કોર્પોરેટરો અને નેતાઓ દેખાય છેઃ સ્થાનિકો
અમદાવાદઃ શહેરમાં સૈજપુર-બોઘા વૉર્ડમાં 2.50 લાખ જેટલી જનસંખ્યા આવેલી છે અને 1.50 લાખ જેટલા મતદારો છે. કોંગ્રેસના 2 અને ભાજપના 2 કાઉન્સીલર છે. આ વૉર્ડમાં વર્ષોથી 2 કોંગ્રેસના અને 2 ભાજપના ઉમેદવારો જીતતા આવ્યાં છે. પરંતુ કોઇ પણ પક્ષ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવતું નથી. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષની અંદર પ્રાથમિક સુવિધા કોઈપણ પ્રકારની કરવામાં આવી નથી. ગટર, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કોઇપણ કોર્પોરેટર હોય તે માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, પછી પાંચ વર્ષ સુધી કોઇ દેખાતુ નથી.
સ્ટ્રીટ લાઇટ, લાઇબ્રેરી, ટ્રાફિકની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ
સૈજપુર-બોઘા વૉર્ડમાં પાણી ઉભરાવવું, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ, લાઇબ્રેરી, ટ્રાફિકની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ ઠેર-ઠેર જોવા મળી છે. જેને લઈ સ્થાનિકો દ્વારા ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, સરકાર ટેક્સ લે છે, પરંતુ કેમ હોસ્પિટલ, રોડ-રસ્તા, ડ્રેનેજ લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી અમને અળગા રાખે છે. ત્યારે બીજી તરફ કોર્પોરેટરને જે સરકારી ગ્રાન્ટ મળે છે, તે ક્યાં જાય છે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠવા પામ્યો છે. આ ઉપરાંત રેવન્યુ ગ્રાન્ટ પણ કોર્પોરેટરોને મળે છે, તે પણ ક્યાં જાય છે તે એક પ્રશ્ન છે?
સ્થાનિકોની માંગણી શું છે?
આ વૉર્ડમાં સ્થાનિકોની માંગણી છે કે, અમને યોગ્ય તમામ પ્રકારની સવલત આપવામાં આવે. જેવી કે હોસ્પિટલ, રોડ-રસ્તા, ડ્રેનેજ લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે. આ ઉપરાંત આ વૉર્ડમાં આવતા ગાર્ડનને વિકાસાવવામાં આવે તેવી પણ માંગ કરી છે. ત્યારે હવે પ્રજા કોને મત આપીને જીતાડશે તે જોવું રહ્યું.