વર્ષ 1989માં યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઈટ્સ ઓફ ચાઈલ્ડ (UNCRC)ના સ્વીકારનું પ્રતિક દર્શાવવા વિશ્વ બાળદિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. રસપ્રદ રીતે, 20 નવેમ્બર 1989ના રોજ સામાન્ય સભા દ્વારા સી.આર.સી.નો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને 195 દેશ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવ્યો હતો.
યુનીસેફ ગુજરાતના ચીફ લક્ષ્મી ભવાનીએ કહ્યું હતું કે, યુ.એન.સી.આર.સીની 30મી વર્ષગાંઠ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવણી સાથે સંકળાયેલી છે. જેથી ગાંધી આશ્રમ ખાતે 20 નવેમ્બરે એક કાર્યક્રમમાં અમે અમારા બધા ભાગીદારો, બાળકો અને હિસ્સેદારો સાથે આ દિવસની ઉજવણી કરીશું. મહાત્મા ગાંધીએ બાળ અધિકારના મહત્વના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા, જે વર્ષ 1931ના જીનિવા ડેક્લેરેશન તરીકે લોકપ્રિય છે. પછીથી 1989ના વર્ષમાં યુ.એન.સી.આર.સી.ની રચનામાં તે એક પાયાનો પથ્થર સાબિત થયો છે.
ગત વર્ષે શરૂ થયેલ ગો બ્લ્યુ અભિયાન માટે મહત્વપૂર્ણ સ્મારકો અને સરકારી ઇમારતો બાળકોના હેતુને સમર્થન આપવા માટે વાદળી રંગની સજાવટ પ્રદર્શિત કરે છે. ગત વર્ષે ભારતમાં બાળકોના હેતુના સમર્થન માટે પ્રતિષ્ઠિત એવા રાષ્ટ્રપતિ ભવન સહિતની ઘણી બધી મહત્વપૂર્ણ ઈમારતોને વાદળી રંગથી સજાવવામાં આવી હતી.
ચાઇલ્ડ રાઇટ્સ કલેક્ટીવ ઓફ ગુજરાતે (સી.આર.સી.જી.) યુનિસેફના સહયોગથી 14થી 19 નવેમ્બર સુધી અમદાવાદથી દાંડી સુધીની ‘સી.આર.સી.@૩૦’ યાત્રા પણ યોજી હતી.
ગુજરાતના સી.આર.સી.જી.ના કન્વીનર રાજેશ ભટ્ટે જણાવયું હતું કે, યાત્રાનું લક્ષ્ય ગુજરાતમાં બાળ અધિકાર અંગે જાગૃતતા વધારવાનું હતું. યાત્રા દરમિયાન 5000થી વધુ બાળકોને બાળ અધિકાર અંગે જાગૃતિ આપી હતી. સી.આર.સી.જી. 75 NGO સાથે કામ કરી રહ્યું છે, જેઓ સમગ્ર ગુજરાતમાં બાળકો સાથે કામ કરે છે. વર્ષોથી અમે બાળ અધિકારના મહત્વને સમજવામાં લગભગ 10,000 બાળકોને મદદ કરી છે.