- ભાજપે પ્રધાનો માટે યોજી જન આશીર્વાદ યાત્રા
- રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના પ્રધાનો કરી રહ્યા છે જન આશીર્વાદ યાત્રા
- ડેમેજ કંટ્રોલ માટે ભાજપ કરી રહ્યું છે જન આશીર્વાદ યાત્રા
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી (BJP) પર્ફોર્મન્સ બેઝ્ડ પાર્ટી છે. તેમાં સતત કાર્યશીલ રહેવું પડે છે. તે કાર્યકર હોય કે પછી પ્રધાન હોય ભાજપ સતત પોતાના નેતાઓને લોકોની વચ્ચે રાખે છે. નેતાઓ માધ્યમો દ્વારા કે પછી રૂબરૂ લોકો વચ્ચે વિવિધ કાર્યક્રમો સાથે જતા હોય છે. લોકો વચ્ચે કાર્યો કરતા પણ પ્રચારનું મહત્વ ભાજપ સારી રીતે જાણે છે. વડાપ્રધાન મોદી (PM Modi)એ આપેલા પ્રચારના સૂત્રને ભાજપે આત્મસાત કરેલા છે.
જન આશીર્વાદ યાત્રા
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra In Gujarat) યોજવાનું શરૂ કર્યું છે. ચૂંટણીમાં જે પણ ઉમેદવાર જીત્યા હોય કે જેમને પ્રધાનપદ અપાય તેમની તેમના વિસ્તારમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવે છે. ચૂંટણીઓ પહેલા પણ આવી રેલીનું આયોજન થાય છે અને ચૂંટણી જીત્યા બાદ પણ પ્રજાના ઋણનો સ્વીકાર કરવા પ્રધાનો આશીર્વાદ યાત્રા યોજે છે. જેનો મુખ્ય હેતુ પ્રજાએ જેને વોટ આપ્યો છે, તે વિસ્તારના લોકોમાં પોતીકાપણાનો ભાવ ઉભો કરવાનો છે.
સરકારી યોજનોનો પ્રચાર-પ્રસાર
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પક્ષના અગ્રણી નેતાઓ સતત કહે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઇએ. જેમાં આયુષ્માન યોજના, જન-ધન યોજના, ઉજ્વલા યોજના, મા અમૃતમ કાર્ડ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના વગેરેનો સમાવેશ થાય છે. તેના દ્વારા ભાજપ પોતે કરેલા કાર્યો લોકોના મનમાં બેસાડવા માંગે છે, જેને વોટમાં કન્વર્ટ કરી શકાય.
ગુજરાતમાં મોદી અને શાહનો વિકલ્પ નહીં
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની જે હાલત થઈ તેમાં રાજ્ય સરકારની નિષ્ફળતા ઉડીને લોકોને આંખે વળગી છે. જેના દબાણરૂપે રૂપાણી સરકારે રાજીનામું આપવું પડ્યું છે, અને એ ડેમેજ કંટ્રોલ માટે આવી યાત્રાઓ યોજાય છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી આપી શકી નથી. પરિણામે આવી યાત્રા યોજીને તે સતત લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરે છે. મોટાપાયે હોર્ડિંગ્સમાં પણ આ બંને નેતાઓના ફોટાનો ઉપયોગ થતો હોય છે.
જાતિના સમીકરણો, અને હિન્દુવાદી છબી
આ ઉપરાંત ભાજપ પોતાના મંત્રીમંડળમાં દરેક જાતિના લોકોને સ્થાન મળે તેવો પ્રયત્ન કરતું હોય છે. આથી જે-તે વિસ્તારના પ્રધાનનું તેમના વિસ્તારમાં અને જાતિઓમાં જન આશીર્વાદ યાત્રા દ્વારા વર્ચસ્વ સ્થપાય છે. રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા જણાવે છે કે, ભાજપ હિન્દુવાદી મોહરુ પહેરીને મતો અંકે કરે છે. તો પ્રજા પણ જમીનની વાસ્તવિકતા વિચાર્યા વગર વોટ કરતી હોય છે. વળી આ યાત્રાઓમાં મોટાપાયે ભાજપના કાર્યકરો હોય છે, લોકો સીધી રીતે જોડાતા નથી.
2022નું લક્ષ્ય?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી કોંગ્રેસને નામ શેષ કરવાની વાત કરી હતી. તેના પગલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તમામે તમામ બેઠક જીતવાનું લક્ષ્ય ભાજપના કાર્યકરોને આપ્યું છે. ત્યારે બદલાયેલા નવા ચહેરાઓને લોકોના માનસપટ પર અંકિત કરવા આવા પ્રકારના ગતકડાં ભાજપ દ્વારા સતત યોજાતા રહે છે.
ભાજપ માટે નિયમો નહીં
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોરોના કાળમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ રેલીઓ યોજી તેમાં કોરોનાનો પ્રસાર વધ્યો અને ગુજરાત કોરોનાના બીજા ભરડામાં સપડાયું. ત્યારે પણ કોઈપણ પ્રકારના કાયદાકીય પગલાં ભાજપ સામે લેવાયા નહોતા. હવે ગરબામાં 400 લોકોને જવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ભાજપના હજારો કાર્યકરો જોડાતા હોય છે. તેમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સના નિયમો કાર્યકરથી લઈને મોટા નેતાઓ પાળતા નથી. તેમ છતાં પોલીસ અધિકારીઓ મુકદર્શક બની રહે છે.
આ પણ વાંચો: 31 ઓક્ટોબરના દિવસે PM મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ