અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે કાંકરિયા લેક આજથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનાથી બંધ કાંકરિયા લેક ખુલતાની સાથે જ પહેલા દિવસે 2 હજારથી વધારે મુલાકાતીઓ આવ્યા હતા. કાંકરિયામાં લેક, બાળવાટિકા તેમ જ બટરફ્લાય પાર્ક પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વિવિધ રાઈડ્સ, અટલ એક્સપ્રેસ, કિડ્સ સિટી સહિતના મનોરંજનો જેવા બાકીના આકર્ષણના કેન્દ્ર હજી પણ બંધ રાખવામાં આવ્યા છે. મુલાકાતીઓ માટે કાંકરિયાના 7 ગેટમાંથી 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેમાં ગેટ નંબર 1, 3 અને 4નો સમાવેશ થાય છે. બટરફ્લાય પાર્ક અને બાળવાટિકામાં એક સાથે સો લોકોને પ્રવેશ આપવામાં આવશે.
કોરોના અંગેની ગાઈડલાઈન્સ પ્રમાણે કાંકરિયામાં આવતા મુલાકાતીઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જે પણ પ્રવાસી કાંકરિયા આવશે તેનું થર્મલ ગનથી તાપમાન માપવામાં આવશે. દરેક મુલાકાતીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. જ્યારે કાંકરિયા પરિસરમાં મહત્તમ 1 હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.