અમદાવાદઃ દિવસેને દિવસે શહેરમાં કોરોના વાઇરસના કેસો વધતા જતા હતા તેને લઈને અમદાવાદના જમાલપુર સ્થિત APMC માર્કેટને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. જેને ખસેડીને જેતલપુર લઈ જવામાં આવ્યુ હતું. આજે ચાર મહિના વીતી ચૂક્યા હોવા છતાં જમાલપુર માર્કેટને ખોલવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, જમાલપુર માર્કેટમાંથી અમદાવાદમાં મોટાપાયે શાકભાજી રિટેલરો સુધી પહોંચે છે.બીજી તરફ જેતલપુર માર્કેટમાં અહીંના વેપારીઓ અને ખેડૂતોને અનેક તકલીફો પડી રહી છે. ત્યાં જગ્યાની અછત છે, ત્યાં ખેડૂતો વધુ આવતા હોવાથી કોરોના વાઇરસ ફેલાવાની શક્યતા છે. તો બીજી તરફ તેમને પાણી અને શાકભાજી ઉતારવાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ખેડૂતોએ કહ્યું હતું કે, માલનો ભરાવો થવાથી તેમનો માલ ખરાબ થઈ રહ્યો છે અને તેને નુકસાન જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હવે જ્યારે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને કરફ્યું હટાવી દેવામાં આવ્યો છે. તમામ માર્કેટને અમુક તકેદારી સાથે ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ ઘટી રહ્યા છે ત્યારે શા માટે જમાલપુર APMC માર્કેટ ખોલવામાં આવતું નથી ?
તેને લઈને આજે વેપારીઓ, કમિશન એજન્ટો અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો તેમજ ખેડૂતોએ પોતાની શાકભાજીથી ભરેલી ટ્રક જબરજસ્તી APMC માર્કેટનો દરવાજો ખોલીને માર્કેટમાં લઈ ગયા હતા તેને લઈને માર્કેટના સુરક્ષાકર્મીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પરિણામે પોલીસ બોલાવવાની નોબત આવી હતી અને પોલીસે આવીને ફરીથી માર્કેટ બંધ કરાવ્યું હતું.
માર્કેટ બંધ હોવાથી આ પ્રકારનું ધાંધલ કરવું તે પહેલાથી કરાયેલું આયોજન હતું. વેપારીઓ તેમજ કમિશન એજન્ટો દ્વારા આવક ન થતી હોવાથી આ તુત ઉભું કરાયુ હોવાનું કેટલાક લોકોનું કહેવું છે. જ્યારે સામે પક્ષે કમિશન એજન્ટો અને વેપારીઓનું કહેવું છે કે, "અમે માર્કેટ શરૂ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને અનેક નેતાઓ અને સત્તાધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ, અમારી માંગ બહેરા કાને અથડાય છે."
જો કે, વેપારીઓનું કહેવું છે કે, માર્કેટ ક્યારેય બંધ કરાયું નથી ફક્ત તેને થોડા સમય માટે જેતલપુર ટ્રાન્સફર કરાયું હતું. તેથી તેમને નિયમોનો ભંગ કર્યો નથી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ એ નક્કી કરવું પડશે કે માર્કેટ અંગે શું નિર્ણય લેવો ?