અમદાવાદ: એડવોકેટ એક્ટની કલમ 35 પ્રમાણે કોઈપણ વકીલ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એ અન્ય કોઇ વ્યવસાય કે નોકરીમાં જોડાઈ શકે નહીં. પરંતુ કોરોના મહામારીને લીધે રાજ્યમાં 75 હજારથી વધુ વકીલોના રોજગારીને અસર થઈ હોવાથી ૩૧મી ડિસેમ્બર સુધી તેમને અન્ય કોઇ વ્યવસાય કે નોકરી કરવાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા છૂટ આપવામાં આવી છે. વકીલાતના વ્યવસાયનું માન જળવાઇ રહે તેવી નોકરી કે વ્યવસાય પસંદ કરવાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ભલામણ કરવામાં આવી છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને BCGએ વકીલોને અન્ય વ્યવસાય કે નોકરી કરવાની હંગામી છૂટ આપી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રવિવારે લીધેલા નિર્ણયમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને લીધે ઘણા વકીલોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કરીને અમે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલી એડવોકેટ એકટની કલમ 35માં 31મી ડિસેમ્બર સુધી છૂટછાટ આપવાનો નિણર્ય કર્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતએ મંજૂરી માટે આ ઠરાવ તાત્કાલિક ધોરણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને મોકલ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માર્ચ મહિનામાં નીચલી અદાલતને બંધ કરી દેવામાં આવી હતી ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જરૂરિયાતમંદ 8500 વકીલોને સહાય પેટે 5000 રૂપિયા ચૂકવ્યાં હતાં.