- રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 336 શિકારીઓ અને 11 ગેંગ પકડાઈ
- આરક્ષિત પશુ અને પક્ષીઓનો કરતા હતા શિકાર
- 2.5 વર્ષમાં અનેક પશુ-પક્ષીઓનો થયો શિકાર
અમદાવાદ: સમગ્ર ભારત અને ગુજરાત રાજ્ય વન્ય સંપદાની દ્રષ્ટિએ બહુમૂલ્ય છે. ત્યારે સમગ્ર દેશમાં અને સાથે ગુજરાતમાં પણ વન્ય પ્રાણીઓનો શિકાર કરતા શિકારીઓ અને તેની ગેંગ ફરતી હોય છે. આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય સી.જે. ચાવડા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં 336 જેટલા શિકારીઓ પકડાયા છે. 11 શિકારી ગેંગ ઝડપાઇ છે.
69 પ્રકારના પશુ-પંખીનો શિકાર
વર્ષ 2018-19માં 114 શિકારીઓ અને 02 ગેંગ, વર્ષ 2019-20 માં 148 શિકારીઓ અને 08 ગેંગ અને વર્ષ 2020-21ના સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં 74 શિકારીઓ અને એક ટોળકી પકડાઈ હતી. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972 હેઠળ તેમની સામે કાર્યવાહી કરાઈ છે. જુદા-જુદા 69 પ્રકારના પશુ- પંખીઓનો શિકારીઓ શિકાર કર્યો છે.
આ પણ વાંચો : સિંહબાળ શિકાર પ્રયાસ મામલે 38 શિકારીઓની અટકાયત
કયા પ્રાણીઓનો શિકાર વધુ ?
સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં શિકારીઓએ શિકાર કરેલા પ્રાણીઓમાં આંધળી ચાકળ-37, મોર- 52, કુંજ પક્ષી-32, નીલગાય-86, પહાડી પોપટ-147, સૂડા પોપટ- 442, કાચબા- 31, સસલા-51, ચંદન ઘો -10 વગેરેનો સમાવેશ થાય છે.