અમદાવાદઃ દેશભરમાં કોરોના વાઈરસના કારણે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. દેશભરમાં લોકડાઉનના કારણે ક્રાઈમની અનેક ઘટનાઓમાં મહદઅંશે ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ બીજી તરફ લોકડાઉન બાદ અનલોક શરૂ થતાની સાથે જ ફરી આંતરે દિવસે લૂંટ, હત્યા, હુમલો, ચોરી, દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામે આવી છે. એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો નિકોલમાં રહેતા ધનજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, સોમવારે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓના ઘરેથી નીકળ્યા ત્યારે મલબાર બંગલોની સામે ખુલ્લા પ્લોટમાં ઓરડી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેઓ ત્યાં કામ જોવા માટે પહોંચ્યા હતા. તે સમયે તેઓ તેમના બાપુજીના દીકરા ભરત સાથે ઊભા રહીને કોન્ટ્રાક્ટ બાબતે ચર્ચા કરી રહ્યા હતા. તેમના પિતરાઈ ભાઈ સાથેની ચર્ચા દરમિયાન ચાર જેટલા અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા. આ ચારેય ઈસમો ભરતભાઈને માર મારવા લાગ્યા હતા. ત્યાર બાદ એક શખ્સએ તેની પાસે રહેલા ફરિયાદી ધનજીભાઈને તીક્ષ્ણ હથિયાર દ્વારા પેટના નીચેના ભાગે હુમલો કરીને તેમની સોનાની ચેન લૂંટીને આરોપીઓ રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે લુંટારૂઓ સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
સરકાર દ્વારા અનલોક જાહેર થયા બાદ દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. એક પછી એક ગુનાને અંજામ આપવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગુન્હાને અંજામ આપીને ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જો કે, શહેરના ઓઢવમાં એક વેપારીને CCTV કેમેરા લગાવવા સાર્થક સાબિત થયા છે. તેમના ઘર પાસે રાત્રે ગાડી પાર્ક કરીને તેઓ સુઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રે બે શખ્સો મોઢા ઉપર માસ્ક બાંધી સોસાયટીમાં ઘૂસ્યા હતા. બાદમાં પાંચ જ મિનિટમાં સ્કોર્પિઓ કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી, તપાસ શરૂ કરી છે.