- શંકરસિંહ બાપુની ઘરવાપસી થાય તો શું?
- બાપુ અને હાર્દિક પટેલ સાથે કોંગ્રેસને મજબૂત નેતૃત્વ આપશે
- આમ આદમી પગદંડો ન જમાવે તે માટે કોંગ્રેસે સબળ થવાની જરૂર છે
અમદાવાદ : 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, અને તે પહેલા હાલ રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરવા માટે ચર્ચાઓ શરૂ કરી છે. ભાજપ દ્વારા તાજેતરમાં તમામ ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ અંગે પણ ચર્ચા થઈ છે. બીજી તરફ ત્રીજા ફ્રન્ટ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉભરી રહી છે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. આમ ત્રણેય પક્ષમાં ચૂંટણીને અનુલક્ષીને સંગઠનમાં ફેરફાર કરવા અંગે મીટિંગોનો દોર શરૂ થયો છે.
ત્રીજા ફ્રન્ટને રોકવા માટે કોંગ્રેસે સંગઠન મજબૂત કરવું પડશે
છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું ડે બાય ડે ધોવાણ થઈ રહ્યું છે. કોંગ્રેસ નબળી પડી છે, જેને કારણે જ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે, અને ભાજપથી અસંતુષ્ઠ થયેલી પ્રજાએ ‘આપ’નું ઝાડુ પકડ્યું છે. અનેક ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આથી જ આમ આદમી પાર્ટી મજબૂત બની છે. હવે કોંગ્રેસે ત્રીજા ફ્રન્ટને રોકવા માટે કોંગ્રેસે મજબૂત થવું જરૂરી છે. હાઈ કમાન્ડ હજી સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી.
કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈ નિર્ણય લઈ શકી નથી
છેલ્લા ચાર દિવસથી ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાપુ સાથે ખાનગી બેઠકો થઈ છે, જેના પછી ચર્ચાઓએ જોર પક્ડયું છે કે શંકરસિંહની ઘરવાપસી થઈ રહી છે. પણ હજી હાઈકમાન્ડે કોઈ નિર્ણય કર્યો નથી. કોગ્રેસને સીનીયર રાજનેતાની જરૂર છે, તે વાત 100 ટકાની છે. પણ શંકરસિંહ બાપુનું ગોત્ર આરએસએસ અને ભાજપ છે. તે કોંગ્રેસ સારી રીતે જાણે છે, જેથી હજી હાઈકમાન્ડ શંકરસિંહના મુદ્દા પર નિર્ણય લઈ શકી નથી.
શંકરસિંહ વાઘેલા રાજકીય સમીકરણો ગોઠવવામાં પાવરધા
બીજી તરફ કોંગ્રેસમાં હાલ કાર્યકારી પ્રમુખ પદે હાર્દિક પટેલ છે, કે જેમણે પાટીદાર અનામત આંદોલન ચલાવીને સરકારને હલાવી નાંખી હતી. તે હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવાના ચાન્સ વધી ગયા છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોંગ્રેસ પાટીદારનો મુદ્દા આગળ કરીને 2022ની ચૂંટણી હાર્દિક પટેલના નેજા હેઠળ લડવાનું વિચારી રહી છે. બીજી તરફ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં આવે તો શંકરસિંહ વાઘેલાનું પલડુ ભારે થઈ જશે. હાર્દિક પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે કેવી રીતે કામ કરશે તે એક સવાલ રાજકીય વિશ્લેષકોના મનમાં છે. અને જો બન્ને સાથે મળીને કામ કરે તો કોંગ્રેસને બેઠી થવામાં વાર નહી લાગે. અને ભાજપને મજબૂત ટક્કર આપવા માટે બન્ને નેતાઓ સાથે સક્ષમ છે. કોંગ્રેસને સબળ નેતૃત્વની જરૂર છે. શંકરસિંહ વાઘેલા રાજકીય સમીકરણો ગોઠવવામાં માહિર છે અને રાજકીય રીતે સરકાર પર કયા વાર કરવો તે વધુ સારુ જાણે છે. બાપુ પાસે કાર્યકરોની મોટી ફોજ છે. તેમના એક અવાજથી કાર્યકરો જંગમાં કૂદી પડે તેમ છે. શંકરસિંહ બાપુ સરકારની ગેરરીતિઓને વધુ સારી રીતે ઉજાગર કરીને પ્રજા સમક્ષ લઈ જવામાં પાવરધા છે. તે મુદ્દા ઉપાડી શકે છે, અને મીડિયામાં ચગાવી પણ શકે છે.
હાર્દિક પટેલ યુવા નેતા છે
બીજી તરફ હાર્દિક પટેલ યુવા નેતા છે. તેમની વિચારધારા અલગ છે. પણ કોંગ્રેસને બેઠી કરવી હશે તો યુવા નેતાના હાથમાં કમાન આપવી પડશે, તે નિશ્ચિત છે. હાર્દિક પટેલ પાટીદાર નેતા છે અને પાટીદારોને કોંગ્રેસ તરફ લાવવા માટે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હાર્દિક પટેલને જાહેર કરાય તો પાટીદારો કોંગ્રેસ તરફ વળી શકે છે.
2022માં કોંગ્રેસ કેટલી બેઠક મેળવશે?
કોંગ્રેસને બેઠી કરવા અને ગુજરાતમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસને સબળ નેતૃત્વ જોઈએ છે, અને તે કાર્યકરો અને અગ્રણી નેતાઓને એકજુટ કરીને સૌમાં વિશ્વાસ ઉભો કરીને ફરીથી બુથ લેવલનું પ્લાનિંગ કરે તો, તેમજ કોંગ્રેસના અનેક સીનીયર નેતાઓનો સાથ પણ ખૂબ જરૂરી છે, જો આમ થાય તો કોંગ્રેસ ચોક્કસ સફળ થઈ શકે છે. ગત વિધાનસભામાં 2017માં કોંગ્રેસે 77 બેઠક હાંસલ કરી હતી, હવે 2022માં કોંગ્રેસ તેના કરતાં વધુ બેઠક મેળવશે કે કેમ? તે તો આવનાર રાજકીય સમીકરણ નક્કી કરશે.