- અમદાવાદ જિલ્લાના 04 તાલુકામાં 223 આશ્રય સ્થાનો ઉપલબ્ધ
- તમામ આશ્રિતઓના કોવિડ એન્ટિજન ટેસ્ટ કરાયા
- ધોલેરામાં મલ્ટી પરપઝ સાયકલોન સેન્ટર
અમદાવાદઃ જિલ્લાના વાવાઝોડાની સંભવિત અસરથી અસરગ્રસ્ત દરિયાકાંઠાના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્રય સ્થાનો કાર્યરત કરાવવામાં આવ્યા છે. આ પૈકી ધોલેરા તાલુકામાં 42, ધંધૂકામાં 40, સાણંદમાં 72, વિરમગામમાં 04 અને ઘોળકા તાલુકામાં 65 આશ્રય સ્થાન સ્થળાંતર કરાતા આશ્રિતો માટે કાર્યરત કરાવવામાં આવ્યું છે. વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠાના 16 ગામો પૈકીના 4524 લોકોને સલામતીપૂર્વક ઉક્ત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જેમાં 2 હજાર 924 પુરુષ, 1હજાર 253 સ્ત્રી અને 347 બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ વાવાઝોડાંની તૈયારીને લઇને અમદાવાદ ફાયર વિભાગ સજ્જ
યુદ્ધના ધોરણે કામગીરી કરાઈઃ અમદાવાદ જિલ્લા કલેક્ટર
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે કે, ઉપરોક્ત તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા વિવિધ આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. વિગતે જોઇએ તો ધોળકા તાલુકાના 3 હજાર 46 વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1 હજાર 123, સાણંદના 08, વિરમગામના 231 અને ધોળકા તાલુકાના 116 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરવામાં આવ્યા છે. ધોલેરામાં 'મલ્ટી પર્પસ સાયકલોન સેન્ટર' છે. આ સેન્ટર પર NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઇને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ શરુ
4,524 લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ
આ તમામ સ્થળાંતર કરાયેલા લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ કરાવવામાં આવે છે. આ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં વ્યક્તિને આશ્રિત કરવામાં આવે છે. જો આ ટેસ્ટીંગ દરમિયાન કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત જણાઇ આવે તો તેવા વ્યક્તિને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવાની તજવીજ હાથ ધરાઇ છે. જો કે ઉપરોક્ત 4 હજાર 524 સ્થળાંતરિત કરાયેલા વ્યક્તિઓ પૈકી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત જણાયા નથી.