અમદાવાદ: હાઈકોર્ટે શ્રેય અગ્નિકાંડ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચીફ ફાયર ઓફિસરને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. ફાયર સેફટી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બાકાત રાખવાની આ બાબતને હાઇકોર્ટે ગંભીર ગણાવી છે. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી છે કે, લોકો આ સુરક્ષિત વાતાવરણમાં જીવી રહ્યા છે. હાઈકોર્ટે ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે રાજ્ય સરકારની અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે.
ગત મંગળવારે જસ્ટિસ આર.એમ છાયા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે નોટ-બીફોર મી એટલે કે સાંભળવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરતા નથી. અનેકવાર રજૂઆત કરાઈ છતાં આ મુદ્દે ધ્યાન અપાતું નથી અને પરિણામે આવી દુર્ઘટના સર્જાય છે. જેમાં લોકોના જીવ ભોગ લેવાય છે. અરજીમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે, આ દુર્ઘટનાના જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના કોરોના વોર્ડમાં મધ રાત્રે 3 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી અને તેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નિપજ્યા હતા.