ETV Bharat / city

કોંગ્રેસ પક્ષ સબળ વિરોધપક્ષની ભૂમિકામાં જનતાની નજરે કેવો નીવડી રહ્યો છે? - special story about congress

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓનું મતદાન યોજાવાનું કાઉન્ટડાઉન શરુ થઈ રહ્યું છે. આ રણમેદાનમાં સત્તાધારી ભાજપની સ્થિતિ મજબૂત લાગી રહી છે તો સદી જૂનો એવો કોંગ્રેસ પક્ષ જાણે રણીધણી વગરનો હોય તેવો મ્લાન ભાસી રહ્યો છે. જનતા જનાર્દનની સમક્ષ ભાજપના નેતાઓ જોરશોરથી પોતાના કામો વર્ણવી રહ્યાં છે. સિદ્ધિઓ ગાઈ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસમાંથી જાણે કોઇ અવાજ જ નથી આવી રહ્યો. આખરે એવું શું થયું છે કે કોંગ્રેસ જેવો રાષ્ટ્રીય પક્ષ સાવ પાણીમાં બેઠો છે? તેની તપાસ કરીએ તો કેટલાક મુદ્દા નજરે તરી આવે છે. જાણીએ ETV Bharatના આ વિશેષ અહેવાલમાં

કોંગ્રેસ પક્ષ સબળ વિરોધપક્ષની ભૂમિકામાં જનતાની નજરે કેવો નીવડી રહ્યો છે?

author img

By

Published : Feb 19, 2021, 3:43 PM IST

  • ગુજરાત બન્યું સ્થાનિક ચૂંટણીઓનું રણમેદાન
  • રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો અભાવ
  • રાષ્ટ્રીયકક્ષાના સબળ વિપક્ષની ભૂમિકા સામે પ્રશ્નાર્થ

અમદાવાદ : ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓ, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. બે દિવસ બાદ 21 ફેબ્રુઆરીએ અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે. રાજ્યની સમૃદ્ધિમાં મોટું યોગદાન આપતાં શહેરી વિસ્તારો પર સત્તા મેળવવા માટે મુખ્ય સત્તાધારી પક્ષ ભાજપ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, NCP, AIMIM સહિત અનેક પક્ષો પોતાનો પરચમ લહેરાવવા મેદાને પડ્યાં છે. આ સમગ્ર ચૂંટણી ચિત્રમાં કોંગ્રેસના દેખાવ પર ફોકસ કરીએ તો આશ્ચર્ય થાય એવા તારણો સામે આવે એમ છે. રાજ્યમાં ભારતીય જનતા પક્ષે સત્તા સંભાળી ત્યારે કોંગ્રેસનો દેખાવ અને આજે 20 વર્ષ બાદ કોંગ્રેસનો દેખાવ, એમ બે રીતે કોંગ્રેસ સામે નજર માંડીએ તો જણાઈ આવે છે કે ઉત્તરોતર આ પક્ષ પોતાની સબળ વિરોધ પક્ષની ભૂમિકામાં નબળો થતો ગયો છે. કોંગ્રેસનું દળદર આખરે કેમ ફીટતું નથી? જોઇએ કેટલાક મહત્ત્વના પાસાંઓ.

સબળ નેતૃત્વની ઓછપ

ગુજરાત કોંગ્રેસ જ હતી જેણે રાષ્ટ્રીય કોંગ્રેસને ગાંધી, સરદાર સહિતના ઘણાં અગ્રણી સેવાભાવી નેતાઓ આપ્યાં અને પક્ષને ઘણો મજબૂત ટેકો ખડો કર્યો હતો. રાષ્ટ્રીય કોંગ્રેસના મૂળીયાં ગુજરાતી નેતાઓ દ્વારા જેટલા ઊંડા નંખાયાં કે તેણે પ્રાદેશિક સ્તરમાંથી રાષ્ટ્રીય ફલક પર યોગદાન આપ્યું. સમગ્ર ગુજરાતને સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં આગળ પડતું બનાવવામાં કોંગ્રેસના કાર્યક્રમોની સબળ ભૂમિકા રહી તે તો કોઇપણ સામાન્ય જ્ઞાન ધરાવનાર પણ જાણી શકે છે. આ હકીકત આજે પણ કોંગ્રેસના હાઈકમાન્ડ એવા ગાંધી પરિવાર દ્વારા સતત દોહરાવવામાં પણ આવે છે. તો પછી જનતાને કેમ આ વાત કોઇ દૂરના સૂર જેવી લાગે છે? 1964માં પંડિત જવાહરલાલ નહેરુના અવસાન બાદ કોંગ્રેસ તીતરબીતર થવા લાગી હતી. અંદરોઅંદરના જૂથોની હૂંસાતૂસીના કારણે દેશના વિકાસની ગતિ અટકી. નવા નવા સ્વતંત્ર થયેલાં દેશની પ્રાણસમસ્યાઓને બદલે કોંગ્રેસમાં સત્તાધારી જૂથ બનાવવાનો કાળો અધ્યાય શરુ થયો. કામરાજ સુધીનો કોંગ્રેસ અને બાદમાં ઇન્દિરા કોંગ્રેસનો ફાંટો... કોંગ્રેસની રાષ્ટ્રીય અસ્મિતાનો એ એક રીતે અંત જ હતો. ગાંધીજીએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો ઉદ્દેશ પાર પડતાં કહ્યું હતું કે, હવે કોંગ્રેસને વિખેરી નાંખવાનો સમય આવી ગયો છે. એ વાત અલગ છે કે ગાંધીજીની વાત એ સમયે ખુદ કોંગ્રેસ પણ ધ્યાને લેતો ન હતો. મૂળ વાત એ કે ઇન્દિરા કોંગ્રેસે છેવટે પગડદંડો જમાવ્યો અને મૂળ કોંગ્રેસ એટલે ઇન્દિરા કોંગ્રેસ એવું જનતાને ઠસાવવામાં સફળ રહ્યો. જોકે લોકશાહી સત્તાતંત્રના નામે કોંગ્રેસ હાલમાં મોદીની સરમુખ્યતારીની વાતો જણાવવા માગે તો જનતાને ક્યાંથી સંભળાય, કેમ કે કોંગ્રેસના રાજમાં જ કટોકટી જેવું કૃત્ય દેશને હચમચાવી ચૂક્યું હતું. ખુદ ઇન્દિરાએ સુવાંગ નિર્વિરોધ સત્તા સંભાળી ત્યાં સુધીમાં તો કમભાગ્યે તેમની હત્યા પણ થઇ ગઇ. ઇન્દિરા ગાંધીના કરીબી એવા એક-બે નેતા સિવાય ગુજરાતની પીપૂડી કોગ્રેસના હાઈકમાન્ડને સંભળાતી બંધ થઇ ગઇ હતી. કોણ જાણે એ શું હતું કે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી પોતે જ પોતાના પગ પર કુહાડા મારતાં મારતાં સાવ સંકોચાઈ જવાનું વલણ અપનાવવા લાગી હતી. આ બધું ગુજરાતમાં કોંગ્રેસના ઇતિહાસની ખણખોદ કરનારને હાથવગો થઇ જ જાય એવો છે. પોતાના પ્રાદેશિક સ્તરના નેતૃત્વની ધરી ગુમાવી હાસ તરફ ધકેલાવાનો આ પહેલો ખીલો હતો.

આંતરિક જૂથવાદની વકરતી સ્થિતિ

ગુજરાત કોંગ્રેસનો ગજ કેન્દ્રીય સ્તરે વાગતો બંધ થયો તેમ પક્ષ તરીકે પોતાના રાજ્યમાં દબદબો જાળવવાનો પ્રયાસ જ પ્રદેશ નેતાગીરી પાસે બાકી બચતો હતો. સાવ નાનામાં નાનો કહેવાય એવો નિર્ણય લેવા આજે પણ ગુજરાત કોંગ્રેસ હાઈ કમાન્ડ ભણી નજર દોડાવે છે અને ત્યાંથી આવે એટલું જ ભૂ પ્રદેશ નેતાગીરી પીવે છે તે સ્થિતિ એ આગુ સે ચલી આતી હૈ જેવી છે. આ સ્થિતિમાં પણ ભાજપ તો ક્યાંય મેદાનમાં હતો જ નહીં અને અન્ય કોઇ પક્ષ પણ કોંગ્રેસ જેટલો તો મજબૂત હતો જ નહીં. કોંગ્રેસ સંગઠન રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પણ કાર્યકરો ધરાવતું સંગઠન હતું જ. એંશીથી નેવુંના દાયકામાં કોંગ્રેસે જનતાની બદલાતી અપેક્ષાઓ, ઉકેલ માગતી જનસમસ્યાઓ, નર્મદા જેવી યોજનાનું મહત્ત્વ પીછાણવામાં ઊણી દ્રષ્ટિ, તમામ સ્તરે ખખડધજ બની ગયેલું સત્તાતંત્ર, ભ્રષ્ટાચાર જેવા અનેક તાતી જરુરિયાતના પ્રશ્નો તરફ ધ્યાન ન આપી શક્યો. કારણ શું, તો કહી શકાય કે તેઓમાં અંદરોઅંદર સત્તાની ખેંચતાણ એટલી જબરદસ્ત હતી કે તેમના કામકાજના કલાકો એ આડા ઓળીયા સુલટાવવામાં જ નીકળતાં અને જનતા એ જ બીચારી બાપડી હોવાની લાગણી સાથે સમસમીને રહી જતી. માધવસિંહ સોલંકીના વડપણ હેઠળની સરકારે ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલ એવું અનામત આંદોલન ઊભું કર્યું. અમદાવાદ જેવું એ સમયનું રાજ્યનું એકમાત્ર ઔદ્યોગિક મહાનગર ભડકે બળ્યું એવા કોમી રમખાણો સામે કોંગ્રેસ સરકારની નિષ્ક્રિયતાએ લોકોને કોંગ્રેસ પ્રત્યેનો આદરભાવ સાવ ખતમ કરવાની દિશા વાળ્યાં ત્યાં સુધી પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી એવા અહમમાં જ રહી ગઇ કે ગાંધી સરદારનું ગુજરાત તેમની પોતીકી જાગીર છે અને કશું નહીં કરો તો પણ ગમે તેવા જુલમ વેઠીને પણ જનતા પાસે કોઇ વિકલ્પ જ નથી કે તે કોંગ્રેસ સિવાય કોઇને સત્તાની ગાદી સોંપી શકશે. આવી ભ્રમણાઓ સાથે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ પોતાના અંદરોઅંદરના જૂથોના ડખા સુલઝાવવામાં પ્રજા પરથી પકડ ગુમાવી દીધી હતી. જે કમભાગ્યે હજુ પણ પાછી મેળવી શકવાની સ્થિતિમાં નથી.

ભાજપના ઉદય પછીની કોંગ્રેસ

બધું જ ખતમ થઇ જાય પછી જ સાવ નવું કંઇક ઊભું થઇ શકે છે. એ પાયા હચમચી ગયેલું ઘર હોય કે નવી વિચારધારા. હા, ભારતીય જનતા પક્ષના કેન્દ્રીભૂત નેતાગણે આ સમય સૂંધી લીધો હતો. અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણીએ કેન્દ્રમાં કોંગ્રેસ સામે અવાજ બુલંદ કરવા માંડ્યો હતો. તેના સૌથી વધુ પડઘા ગુજરાતમાંથી પડવાનું શરુ થયું હતું. આમ પણ આ રાજ્ય નવી વિચારધારા અને નવા વિચારોને આવકારવા અંગે ખુલ્લા મનમાં માનનારી પ્રજાનું રાજ્ય છે. સમયસંજોગ પ્રમાણે જનતાને જે મુદ્દાઓ આકર્ષી રહ્યાં હતાં તેના સમર્થનમાં લોકો બોલવા લાગ્યાં, આગળ આવવા લાગ્યાં અને તેમાં સાથ મળ્યો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો, કારણ કે ગામેગામ સુધી સેવાકાર્યો દ્વારા, જનસંસ્કૃતિના કાર્યક્રમો દ્વારા આ સંસ્થાની પહોંચ બની ગઇ હતી. તેથી ગુજરાતમાં કેશુભાઈ પટેલ જેવા સાવ સામાન્ય કક્ષાના ખેડૂત નેતાને આગળ કરીને અલગ જ નેતાસમૂહ બનાવવામાં આવ્યો. જેણે કોંગ્રેસની સરકાર, કોંગ્રેસની નેતાગીરીની ગુજરાત પ્રત્યેની ઉદાસીનતાનો ભરપુર ઉપયોગ કર્યો.

કોંગ્રેસની કાચી રણનીતિથી મજબૂત બન્યો ભાજપ

કશું પણ રાતોરાત સર્જાતું નથી એ ન્યાયે દિવસો, વરસો અને દાયકાના પ્રયત્નના આખરે ગુજરાતની જનતાએ કોંગ્રેસ સિવાયની સરકારને ગુજરાતનું શાસન સોંપ્યું હતું. ભાજપ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં 1995માં સફળ બન્યો હતો. ત્યારે રાજ્યમાં બીજીવાર બિનકોંગ્રેસી સરકાર બની શકી હતી. કોંગ્રેસ હજુ પણ મુશ્તાક હતી કે, આ તો જનતાની કામચલાઉ પસંદગી બની રહેશે અને ભૂતકાળમાં જનતા મોરચાની સરકારોનું જેવું થયું તેવું થશે. કોંગ્રેસની નેતાગીરીને એવું હોઇ શકે તે શાસનનો અનુભવ ન ધરાવતો ભાજપ ઘણી ભૂલો કરશે અને છેવટે ગુજરાતની જનતા કોંગ્રેસ પર જ સિક્કો મારશે. રાજ્યમાં રચાયેલી ભાજપ સરકાર પણ શંકરસિંહ વાઘેલાના બળવાને પગલે પડી અને રાજ્યમાં થોડોક સમય રાષ્ટ્પતિશાસન લદાયું ને વળી પાછા વાઘેલાએ સત્તા સંભાળી. સત્તા તેમણે કોણા ટેકાથી સંભાળી હતી? જવાબ છે કોંગ્રેસના ટેકાથી સંભાળી હતી. પોતાના સામે ઉભાં થતાં પક્ષને પણ મજબૂત કરવાનું કામ તે સમયની કોંગ્રેસ નેતાગીરીએ કર્યું હતું. ગુજરાતની શાણી પ્રજા સમજી ગઈ કે કોંગ્રેસ માટે ગુજરાતની જનતા નહીં પણ બીજું કંઇક વધુ છે. એટલે ફરી 1998માં ચૂંટણી આવી ત્યારે સ્પષ્ટપણે હજૂરીયાખજૂરીયા અને તેને ટેકો આપવાનું કામ કરનાર કોંગ્રેસને સબક શીખવ્યો અને ઘેર બેસાડી દીધાં. ઘણાંને એવું પણ લાગી શકે છે ગુજરાતમાં કોંગ્રેસ સિવાયના પક્ષને સત્તાસ્થાને લાવવામાં ખુદ કોંગ્રેસીઓનો જ મોટો ફાળો રહેલો છે.

સગાંવાદ અને પરિવારવાદે ખતમ કર્યું પ્રદેશ કોંગ્રેસનું સ્થાન

ગુજરાત કોંગ્રેસમાં આજે પણ જોવા મળતી જૂથબંધી અને પરિવારવાદ પક્ષનું પોત નબળું પાડી રહ્યો છે. એક તો એ કોંગ્રેસ વારસાગત લક્ષણ અને ગુજરાત પ્રદેશ નેતાગીરીમાં પણ પુત્ર-પરિવારવાદનું ચલણ, આ બંનેએ કોંગ્રેસને સતત હાનિ પહોંચાડી છે. ભાજપના સ્થિર શાસન સામે પાતળો પડી રહેલો પક્ષ હવે પોતે કયા-કયા કામ કર્યાં તે ગણાવી શકે તેમ નથી. છતાં પણ સત્તાધારી પક્ષે કરેલા ભ્રષ્ટાચાર કે કૌભાંડો, જનહિત વિરોધી નિર્ણયોને પ્રજા સમક્ષ બળકટ રીતે ઊજગર કરવાની મુખ્ય વિપક્ષ તરીકેની જવાબદારી અદા કરવામાંથી પણ કોંગ્રેસ પાછો પડ્યો છે. ભાજપના શાસનમાં કોઇ પ્રશ્નો નથી એવું તો નથી, પરંતુ કોંગ્રેસ મૂઢતાની સ્થિતિમાં જ રાચી રહ્યો. તેના કોઇપણ કાર્યક્રમ હોય એકલદોકલ પ્રકારના કે કોઇ નાનીનાની સંસ્થાઓ કરતાં હોય તેવા બની રહ્યાં. કેટલાક લોકો કહે છે તેમ કોંગ્રેસમાં કાર્યકરો ઓછાં અને નેતાઓ વધુ હોય છે. તેના કાર્યક્રમોમાં મંચ પર નેતા તરીકે બિરાજમાન થનારની સંખ્યા સામે બેસીને સાંભળનાર કરતાંય વધુ રહે છે. આવું કેમ? પ્રદેશ નેતાગીરીના ટોચના સ્થાનેથી લઇ સ્થાનિક એકમો સુધીની વણજારમાં તમને ફલાણાં આ નેતાના પુત્ર છે કે ફલાણાં પેલા નેતાના ભત્રીજા-ભાણીયા છે તે પ્રજા જોઇ રહી છે. કોંગ્રેસમાં રહીને આજીવન જનપદ સુધી સેવા કરનાર કાર્યકરોને ટિકીટ આપવા સમયે હાંસિયામાં ધકેલી દેવાય અને સગાંઓને સ્થાન આપવામાં આવે ત્યારે સત્તા ન હોવા છતાં પણ ક્વોલિટીના બદલે પરિવારનું ડીએનએ જોવામાં આવતું હોય તો પછી કોણ કોંગ્રેસની નૈયાને ડૂબતી બચાવી શકશે? પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સદંતર નામક્કર ગઈ હોય તેમ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં સબળ વિરોધપક્ષની ભૂમિકામાં પરફોર્મ કરી શકી નથી ત્યાં જનતા પણ તેના પર કઇ રીતે વિશ્વાસ મૂકે? વિધાનસભા પેટાચૂંટણીમાં આઠેઆઠ બેઠકો ભાજપ લઇ ગયો અને સમ ખાવા પૂરતી બેઠક પણ કોંગ્રેસને ન મળી ત્યારે પણ કોંગ્રેસ નેતાગીરી ચેતી નથી ત્યારે સ્થાનિક ચૂંટણીઓમાં શું ઉકાળશે તે કહેવું હાલ તો યોગ્ય નહીં કહેવાય.

ઘર કા ભેદી લંકા ઢાયે

ભાજપે કોંગ્રેસમુક્ત ગુજરાતની થીયરી ભલે આપી પણ હકીકત એ છે કે ખુદ ભાજપ કોંગ્રેસયુક્ત થઈ ગયો છે. તેમાં પણ છેલ્લાં બે વર્ષમાં જે રીતે કોંગ્રેસના મોટા માથાં કહેવાતાં નેતાઓ પણ ભાજપમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયાં છે. એક તો બે દાયકા કરતાં વધુ સમયથી સત્તાવિહિનતા અને બીજું પ્રદેશ નેતાગીરી દ્વારા તેમની ઉપેક્ષા પણ કારણભૂત ખરી. કોંગ્રેસ પોતાના સક્ષમ નેતાઓને જાળવી શકતી નથી એવી ધારણા પણ હવે ફેલાઇ ગઇ છે. કોઇ નેતા પોતાના વિસ્તારમાં સારી પકડ ધરાવતો હોય અને મતો ખેંચી લાવતો હોય તો તેની બે વાત રાખવી પડે કારણ કે તે લોકનેતા છે. લોકશાહી વ્યવસ્થામાં આમ જ તો મજબૂત નેતૃત્વ ખડું થઇ શકે છે. પણ કોંગ્રેસ પર બાપીકો વારસો ધરાવાતાં નેતાઓ એવા લોકનેતાઓને પગ ન મૂકવા દે કે તેમની યોગ્ય રજૂઆતોને પણ કાનસરો ન આપે તો પછી શું થાય. એ જ જે ગુજરાતની જનતાએ જોયું કે કોંગ્રેસના ફલાણા મોટા નેતા ભાજપમાં જોડાઈ ગયાંને પ્રધાન પણ બની ગયાં! જવાહર ચાવડા હોય કે બળવંતસિંહ રાજપૂત હોય, એ પછીના જોડાયેલાં નેતાઓએ પણ પોતાના વિસ્તારના કામો થાય એટલે ભાજપમાં ગયાં એવું કહ્યું છે, તો શું કોંગ્રેસ સરકારમાં વિપક્ષ તરીકે એવું જોર પણ ધરાવતો નથી કે ભાજપ સરકારને જનતાના મુદ્દાઓને લઇને પણ નમાવી શકે નહીં? એટલે મૂળે તો કોંગ્રેસને કોઇ ઉત્સાહ નથી. પ્રદેશ નેતાગીરી કદાચ એવું માનતી હોય કે કોઇ ચૂંટણી એવી પણ આવશે કે જેમાં ગુજરાતની જનતા ભાજપથી ધરાઈ જઇને કોંગ્રેસનો હાથ પકડશે ત્યાં સુધી ચાલે છે તેમ ચાલવા દો. ડિસ્ટ્રકટિવ ઓપોઝિશનના બદલે કનસ્ટ્રક્ટિવ ઓપોઝિશનની મજબૂત ભૂમિકામાં કોંગ્રેસ નહીં આવે ત્યાં સુધી તેનું દળદર આ બધાં કારણોથી ફીટે તેમ લાગતું નથી.

છ મનપામાં પાંચ વર્ષના ભાજપના શાસનમાં વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ સાવ વામણો પુરવાર થયો છે. ભાજપની અનેક ભૂલો છતાં તે કોંગ્રેસ તેનો અસરકારક વિરોધ કરી શક્યો નથી. મતદારોને જનતાને કંઈ ખાસ આકર્ષી શકે તેવા કામ કે વિરોધ કર્યો નથી. જનતાના હૃદયમાં સ્થાન મેળવવામાં કોંગ્રેસ સંદતર નિષ્ફળ છે અને વળી કોંગેસની નબળાઈનો ફાયદો લેવા માટે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIM મેદાનમાં છે. આ બન્ને પાર્ટીને કારણે કોંગ્રેસને જ નુકસાન થવાનું છે, તે દેખીતું છે.

અમદાવાદથી પારુલ રાવલનો વિશેષ અહેવાલ…

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.