- દિવાળીના તહેવારોમાં સી-પ્લેનને સારો પ્રતિસાદ
- દિવસની બે ફ્લાઇટ
- મેઇન્ટેનન્સને લીધે અમુક સમયે બંધ રહે છે સી-પ્લેન
- સમગ્ર ગુજરાત ઉપરાંત બહારથી પણ આવી રહ્યા છે પ્રવાસીઓ
અમદાવાદ: સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ સી-પ્લેન દ્વારા કેવડીયા કોલોની જવા માટે લોકો અમદાવાદ આવી રહ્યા છે. અહીંથી સી-પ્લેનની હવાઈ સફર ખેડીને વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જોવા માટે તેઓ કેવડીયા જઈ રહ્યા છે. દિવાળીને લઈને સી-પ્લેનનું બુકિંગ હાઉસફુલ છે. પરંતુ સી-પ્લેનના મેઇન્ટેનન્સને કારણે અમુક વખત પ્લેનની સુવિધા બંધ રહે છે.
![દિવાળીની રજાઓમાં સી-પ્લેનને કેવો મળી રહ્યો છે પ્રતિસાદ ?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-06-sea-plane-video-story-7209112_15112020162703_1511f_01093_483.jpg)
સી-પ્લેનની ટિકિટ દરની નીતિ સમજ બહાર
સી-પ્લેનની અંદર 14 લોકો બેસી શકે છે. તેની ટિકિટ 1500 રૂપિયાથી લઈને 4800 રૂપિયા સુધીની છે. અમદાવાદથી 10:00 અને બપોરે 2:30 વાગ્યે એમ બે ફ્લાઇટ કેવડીયા કોલોની સુધી પહોંચે છે. સ્પાઇસજેટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 15 તારીખ સુધીનું બુકિંગ થયું હતુ. પરંતુ આગળના સમયના બુકીંગને લઈને ઉપરથી કોઈ સૂચના મળી નથી.
સી- પ્લેનને જોવા આવી રહ્યા છે લોકો
અમદાવાદમાં જ્યારે સી-પ્લેન સાબરમતી નદીમાં ઉતરાણ કરે છે, ત્યારે બ્રિજ પરનો ટ્રાફિક થોભી જાય છે અને તેનો નજારો જોવા લોકો આતુર બને છે. સી-પ્લેન અત્યારે કેવડીયાના 3 નંબરના સરોવરમાં ઉતરાણ કરે છે. જ્યારે સાબરમતી નદીમાં જમાલપુર અને શાહ-આલમના બ્રિજ વચ્ચે સૌથી વધુ જગ્યા છે, ત્યાં સી-પ્લેનનો રન-વે છે. સી-પ્લેન માટે નદીમાં પાણીનું લેવલ જાળવવું પડતું હોવાથી બંધિયાર પાણીમાં લીલની સમસ્યા સર્જાઈ છે. જેથી કોર્પોરેશન દ્વારા સતત સી-પ્લેનની જેટીના વિસ્તારની આસપાસ મશીન દ્વારા લીલની સફાઈ કરવામાં આવે છે. આગામી સમયમાં સી-પ્લેન અન્ય જગ્યાઓ, જેમ કે સૌરાષ્ટ્રના શેત્રુંજય પાસે ઉડાડવાનું આયોજન થઈ રહ્યું છે.
ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરીને મુંબઈ સુધી લંબાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે
આ ઉપરાંત ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી હતી, તે પણ શરૂ થઈ ચૂકી છે. હવે તેને મુંબઈ સુધી લંબાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આમ વિશ્વ સ્તરની સુવિધાઓ લોકો માણી શકે તે માટે સરકાર નવા આયોજનો કરી રહી છે.