- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ ગુજરાત પ્રાંત સંઘચાલક અમૃત કડીવાલાનું થયુ અવસાન
- સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી
- તેઓના અવસાનથી આપણે પ્રખર રાષ્ટ્ર ભક્ત ગુમાવ્યા છે - અમિત શાહ
અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ ગુજરાત પ્રાંત સંઘચાલક અમૃત કડીવાલાના થયેલા દુઃખદ અવસાન પ્રત્યે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. અમિત શાહે આઘાતની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કડીવાલાએ પોતાનું સમગ્ર જીવન "માં ભારતી" અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું. તેઓના અવસાનથી આપણે પ્રખર રાષ્ટ્ર ભક્ત ગુમાવ્યા છે. કડિવાલાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અનેક બાલ સ્વયંસેવકો આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જુદા જુદા અનેક દાયિત્વનું વહન કરી રહ્યા છે.
કડીવાલા સોઈલ ટેસ્ટીંગ માટે ગુજરાતમાં પ્રથમ એન્જિનિયર હતા
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અમૃત કડીવાલાએ ગુજરાત પ્રાંતના સંઘચાલક ઉપરાંત કર્ણાવતી મહાનગર કાર્યવાહ અને અન્ય અનેક સંસ્થાઓમાં જુદા જુદા દાયિત્વનું વહન કરવા ઉપરાંત અનેક સંસ્થાઓના નિર્માણમાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ સોઈલ ટેસ્ટીંગ માટે ગુજરાતમાં પ્રથમ એન્જિનિયર હતા. તેઓ દરેક પેઢીના સ્વયં સેવકો સાથે સરળતાથી સમન્વય સાધી શકતા હતા. અમિત શાહે અંતમાં દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કડીવાલા સાદું જીવન ઉચ્ચ વિચારના પર્યાય હતા. તેઓ હંમેશા કહેતા કે વ્યક્તિનું નહીં પરંતુ સંસ્થાનું મહત્વ વધુ હોય છે. તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી જાહેર જીવનમાં અને રાષ્ટ્રની સેવામાં સક્રિય રહ્યા, પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અને પરિજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચો: GMDCમાં બનાવવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યું
સી.આર.પાટીલે પાઠવી શ્રદ્ધાંજલિ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અમૃત કડીવાલાના આકસ્મિક નિધનથી દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમૃતભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી કાર્યકર તરીકે કુદરતી આપત્તિના સમયમાં કરેલ સેવાની ગુજરાતની જનતા ક્યારેય ભૂલી નહીં શકે. કડીવાલાએ હિન્દુ ધર્મની રક્ષા માટે આપેલ યોગદાન માટે હંમેશા હિન્દુ ધર્મના આધાર સ્તંભ તરીકે ઓળખાશે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતાના નિધન પર કર્યો શોક વ્યક્ત
83 વર્ષની ઉંમરે થયું કડીવાલાનું નિધન
સી.આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, અમૃતભાઈ કડીવાલાના 83 વર્ષની વયે થયેલ દુઃખદ નિધનથી ન માત્ર ગુજરાતને કે હિન્દુ સંપ્રદાયને પરંતુ સમગ્ર દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા કડીવાલાના આકસ્મિક નિધનથી તેમના પરિવાર ઉપર આવી પડેલા આકસ્મિક દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સ્વર્ગસ્થને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી