અમિત શાહના આગમન સમયે આસપાસની બિલ્ડિંગમાં રહેતા રહીશો દ્વારા CAAના સમર્થનમાં પ્લેકાર્ડ અને બેનર સાથે પતંગો ચગાવ્યા હતા. ભાજપ અધ્યક્ષ પ્રથમવાર અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ભાજપના વેજલપુર વોર્ડના કોર્પોરેટર રાજુભાઈ મૂખીના ઘરે કેન્દ્રીય ગૃહ પ્રધાન મહેમાન બન્યા હતા અને સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ વચ્ચે રહીને પતંગ ચગાવ્યા હતા. આ મહોત્સવમાં અમિત શાહે પતંગ ઉડાવી હતી, જ્યારે જીતુ વાઘાણીએ ફિરકી પકડી હતી.
અમિત શાહની હાજરીથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અમિત શાહે ધાબા પર લટાર મારી હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું હતું. સવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ઉતરાયણ હોવાથી પતંગ ચગાવ્યા હતા.
અમિત શાહે સેટેલાઇટની કોકલેવ સોસાયટીમાં આવેલા જી-બ્લોક પરથી પતંગ ચગાવ્યો હતો. અમિત શાહના આગમન પૂર્વે લગભગ એક કલાક પહેલાં જી-બ્લોકની અગાસી ખાલી કરાવી દેવામાં આવી હતી.
અમિત શાહના આગમન પૂર્વે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આસપાસની તમામ બિલ્ડીંગમાં તેમજ વિસ્તારમાં 100 વધુ પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા અને CAAના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા.