- રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને લઈ હાઈકોર્ટનું કડક વલણ
- હાઈકોર્ટે કહ્યું લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો કરી શકે નહીં
- શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી
અમદાવાદઃ કોરોનાકાળ સમયે અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલના ICU માં વહેલી સવારે આગ લાગતાં 8 લોકો આગમાં ભસ્મીભૂત થયા હતા. ત્યારબાદ તપાસમાં માલૂમ પડ્યું હતું કે, હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ છે. આ મુદ્દે હાઇકોર્ટે આજે શુક્રવારે સુનાવણી કરતાં શ્રેય હોસ્પિટલને ફરી શરૂ કરવાની રજૂઆત હાઇકોર્ટે ફગાવી હતી. નામદાર હાઈકોર્ટે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટેના નિર્દેશ આપ્યા હતા.
રાજ્યભરમાં 50 હજારથી વધુ એકમોમાં ફાયરસેફ્ટીનો અભાવ ચિંતાનો વિષયઃ હાઇકોર્ટ
નામદાર હાઈકોર્ટે રાજ્યભરમાં 50 હજારથી વધુ એકમોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ રાજ્યના 6 મહાનગરપાલિકાના કમિશ્નરને પણ ફાયર સેફટીનો કડક પણે અમલવારી કરાવે તે માટેની નોટિસ આપી આદેશ કર્યો હતો. વધુમાં અમદાવાદની 15 હજાર ફેક્ટરીઓમાં પણ ફાયર સેફટીની અમલવારીને લઈ તેમની સામે પગલા લેવા આદેશ કર્યો હતો.
ફાયર સેફટીના નિયમોનું પાલન કરવુ પડશે અથવા તો હોસ્પિટલ બંધ કરવી પડશે
હાઈકોર્ટે ફાયર સેફ્ટીની અમલવારીને લઈને કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, લોકોના જીવના જોખમે હોસ્પિટલ અને શાળાઓ ધંધો કરી શકે નહીં. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનને નામદાર હાઈકોર્ટે નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે, ફાયર સેફટીના નિયમોનું પાલન કરવુ પડશે અથવા તો હોસ્પિટલ બંધ કરવી પડશે.