અમદાવાદઃ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 10 વર્ષની સજા સામે આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં અપીલ અરજીમાં કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યાં હોવાથી કોર્ટે તેમને અપીલ અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યાં છે. ત્રણેય આરોપીઓએ 7 વર્ષથી વધુ સમય જેલમાં કાઢ્યો છે. અગાઉ હાઇકોર્ટે આરોપીઓના વકીલને પેપર બૂક બનાવી તેને રજિસ્ટ્રી સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2009માં અમદાવાદના કાગડાપીઠમાં વિસ્તારમાં હલકી ગુણવતાવાળી દારૂને લીધે લઠાકાંડ સર્જાયો હતો. જેને લીધે 24 લોકોના મોત અને અસંખ્ય લોકો માંદા પડ્યાં હતાં. પોલીસે આ સમગ્ર કેસની તપાસ કરતાં ત્રણેય આરોપીઓ સહિત મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2010માં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 2019માં ચૂકાદો આવ્યો હતો અને આ ત્રણેય આરોપીઓને 10 - 10 વર્ષની સજા કરવામાં આવી હતી. જ્યારે કેટલાક અન્ય આરોપીઓની સજા પુરી થઈ ગઈ હોવાથી તેમને છોડી મુકવામાં આવ્યાં હતાં.