વર્ષ 2004માં કુંવરજી બાવળીયા જ્યારે ગ્રામ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી હતા, ત્યારે તેમણે છોડ ઉગાડવા માટે જમીનની માગ કરી હતી. બાવળીયા ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાથી જમીનના ઠરાવમાં તેમની સહીં હતી. ગામના સરપંચ સવિતાબેન વસાનીની સહીં આ ઠરાવમાં ન હોવાથી અને આ ઠરાવની ગ્રામ પંચાયતમાં નોંધણી ન થઈ હોવાથી સવિતાબેને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2004માં વિછિંયા તાલુકાના અમરાપુર ગામમાં શ્રી ગ્રામ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટે 6 એકર જમીનની ફાળવણી માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. પરંતું આ માગને ફગાવી દેવામાં આવી હતી. આ સમયે અમરાપુરના સરપંચ સવિતા વસાનીએ આક્ષેપ કર્યો હતો કે, આ ઠરાવમાં તેમની બોગસ સહી કરાઈ હતી. લગભગ 1 વર્ષ પછી આ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2011માં બાવળીયા સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં કોંગ્રેસ સાથે છેડો ફાળી બાવળીયા ભાજપમાં જોડાયા હતા. ફરિયાદી અને આરોપી બંને અલગ અલગ રાજકીય સંગઠનો સાથે જોડાયેલા હતા. હવે બંને તરફે સમાધાન થઈ જતા, બાવળીયાએ ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં રિટ કરી હતી. આ રિટને ધ્યાનમાં રાખી બુધવારે જસ્ટીસ એસ. એચ. વોરાએ આ ફરિયાદ રદ્દ કરી છે.