- અમદાવાદ ભગવાન ભરોસે છે, આંકડા છુપાવી લોકોને અંધારામાં રાખ્યાં
- ટ્વીટ કરી સરકાર પર કર્યા પ્રહાર, ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ
- તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. સરકારના આ અચાનક નિર્ણય સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદમાં અચાનક કરફ્યૂ લાદવામાં આવતા સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતાં. ઇમરાન ખેડાવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, રાજ્ય સરકારની અણઆવડતના લીધે અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો ચક્રવ્યૂહ જોવા મળી રહ્યો છે. સરકાર પોતાની નિષ્ફળતા અને આંકડા છુપાવી લોકોને અંધારામાં રાખ્યાં અને આજે ફરી અમદાવાદ ભગવાન ભરોસે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડ્યુ છે. તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની રહી છે.
તંત્રની મોટી બેદરકારીનું ભોગવવું પડી રહ્યું છે પરિણામ
ડૉક્ટરોએ દિવાળીના તહેવાર દરમિયાન પીક આવવાની દહેશત વ્યક્ત કરી હતી પણ તેના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યુ ન હતું. દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં પણ સાવચેતી વગર લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. દિવાળીની ખરીદીની ભીડ ત્રણ દરવાજા અને ભદ્ર પાથરણાં બજારમાં જામી હતી તેટલી જ ભીડ તમામ વિસ્તારમાં જોવા મળતી હતી. પાણીપુરીથી લઇને ફૂડ પાર્લરો, ચા-કોફીની દુકાનો અને પાનના ગલ્લાઓ ફરી ધમધમતા થયાં હતાં.