જો કે, છેલ્લા કેટલાય દિવસથી ABVP અને NSUI વિદ્યાર્થી સંગઠનોના ઉગ્ર વિરોધના કારણે હવે ઓનલાઇન રાઉન્ડ બાદ બીજો રિશફલિંગ રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારે વિલંબ બાદ રિશફલિંગ રાઉન્ડ કરવાના નિર્ણયથી M.com અને B,Sc માં નવેસરથી કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી ઓનલાઇન સેન્ટ્રલાઇઝ એડમિશન સિસ્ટમ દાખલ કરાઈ છે, પરંતુ ચાલુ વર્ષે ઓનલાઇન એડમિશન પ્રક્રિયાના એક જ રાઉન્ડ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો પર વિદ્યાર્થીઓને પોતાની રીતે જુદી જુદી કોલેજોમાં જઇને પ્રવેશ લેવાની સૂચના આપવામાં આવી હતી. આ પ્રકારના નિર્ણયનો વિરોધ ABVP અને NSUI બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો. ABVPએ દેખાવો કરીને યુનિવર્સિટી પ્રશાસનનું ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જો તાકીદે રિશફલિંગ રાઉન્ડ જાહેર કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. મહત્ત્વની વાતએ કે અગાઉ NSUI દ્વારા પણ એક જ રાઉન્ડના બદલે રિશફલિંગ રાઉન્ડ કરવાની માગણી કરવામાં આવી હતી.
આશ્ચર્યની વાત કે પ્રવેશ સમિતિના સત્તાધીશો પણ એક જ રાઉન્ડના બદલે રિશફલિંગ રાઉન્ડ કરવો જોઇએ તેવું માનતાં હતા. વિદ્યાર્થી સંગઠનોના વિરોધના કારણે પ્રવેશ સમિતિ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરીને એવી સ્પષ્ટતા કરી છે. હવે પછી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ રિશફલિંગ રાઉન્ડ કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં જે તે કોલેજમાં પ્રવેશ મળે અને તે કન્ફર્મ ન કરાવે તો બીજા રાઉન્ડો રિશફલિંગ રાઉન્ડમાં બીજી તક મળી શકશે. જે પ્રવેશ કાર્યવાહી બાકી છે, તેના માટે બીજો રાઉન્ડ થશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ M.com અને B.Scમાં પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ પૂર્ણ કરી દેવાયો છે. આ પ્રવેશ કાર્યવાહીમાં હવે રિશફલિંગ રાઉન્ડ કેવી રીતે થશે તેની વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી છે.
એમ.કોમ.માં વિદ્યાર્થીઓ કોલેજોમાં રઝળ્યા, હવે રિશફલિંગ રાઉન્ડ
M.comમાં પ્રવેશ પ્રક્રિયાનો પહેલા રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર વિદ્યાર્થીઓને પોતાની રીતે પ્રવેશ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ જુદી-જુદી કોલેજોમાં પ્રવેશ માટે જઇ રહ્યા છે. હવે પ્રવેશ સમિતિએ M.com માટે રિશફલિંગ રાઉન્ડની જાહેરાત કરી છે. જે પ્રમાણે તારીખ 5 જૂનના રોજ પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરાશે. તારીખ 7 જૂને કોલેજની ફાળવણી કરાશે. તારીખ 10 અને 11 જૂન દરમિયાન વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. તારીખ 15 એ ખાલી બેઠકોની વિગતો જાહેર કરાશે.
સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે એક રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. હવે રિશફલિંગ માટે તા.7 થી 8 જૂન દરમિયાન રિશફલિંગ રાઉન્ડ કરાશે. તારીખ 12 એ કોલેજની ફાળવણી કરાશે. તારીખ 13 થી 14 જૂન દરમિયાન વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે.