- 20થી વધુ વિદ્યાશાખાના 1500 જેટલા વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા
- 22 નવેમ્બરના રોજ યોજાનારી GTU PHDની એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ
- કરફ્યૂને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
અમદાવાદ : વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરમાં 20 નવેમ્બરથી રાત્રીના 9 કલાકથી 23 નવેમ્બરની સવારના 6 કલાક સુધી સંપૂર્ણ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને તથા સરકારના આદેશાનુસાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના તમામ વિભાગો અને સેન્ટરર્સ બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 નવેમ્બરના રોજ GTU PHDની યોજાનારી એન્ટ્રન્સ પરીક્ષા કરફ્યૂના કારણોસર મોકૂફ રાખવામાં આવી છે.
કરફ્યૂને કારણે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી
પરીક્ષાની તારીખ આગામી દિવસોમાં GTUની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તેમ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું છે. ડૉ. નવીન શેઠે જણાવ્યું છે કે, GTUની વિવિધ વિદ્યાશાખા આર્કિટેક્ચર, આર્મમેન્ટ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર /આઈટી એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, પર્યાવરણીય ઇજનેરી, હ્યુમેનિટી(અંગ્રેજી માધ્યમ), ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેકેનિકલ એન્જીનિયરિંગ, માઇનિંગ એન્જિનિયરિંગ, ફાર્મસી, વિજ્ઞાન-ગણિત, વિજ્ઞાન-ભૌતિકશાસ્ત્ર અને કાપડ ઇજનેરીના 1500થી વધુ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાના હતા. કરફ્યૂને કારણે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તેની હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે.
GTU દ્વારા અગાઉ લેવાયેલી પરીક્ષાની ઓનલાઈન
ઉલ્લેખનીય છે કે, GTU દ્વારા અગાઉ લેવાયેલી ઓનલાઇન પરીક્ષાની તારીખો પણ સંજોગોવશાત વારંવાર બદલવી પડી હતી. આખરે આ પરીક્ષા લેવાઇ ગઇ છે. ત્યાં ફરીથી અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન વધેલા કોરોના સંક્રમણને કારણે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રિના 9 કલાકથી સોમવારના સવારના 6 કલાક સુધી કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે બાદ રોજ રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આમ અમદાવાદ શહેર જેવી સ્થિતિ રાજયના અન્ય શહેરોમાં થતાં ત્યાં પણ કરફ્યૂ લાદવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. આમ ગુજરાત ફરી એક વાર કોરોનાના કેસમાં અગ્રતાક્રમ તરફ જઇ રહ્યું છે.