- કોરોના સુઓમોટો ઉપર ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનવણી
- ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજુ કરાયું હતું સોગંદનામું
- માસ્ક ન પહેરનારા લોકોના દંડમાં ઘટાડો કરવા પર કોર્ટ નારાજ
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં હાલ કોરોના સુઓમોટો પર સુનવણી ચાલી રહી છે. અગાઉની સુનવણીમાં હાઈકોર્ટે સરકારને કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) અંગેના આયોજન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જ્યારબાદ આજે શુક્રવારે યોજાયેલી સુનવણીમાં માસ્કના દંડમાં કરાયેલા ઘટાડા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે સુનવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને પારસી સમાજ (Parsi Community) ની ધાર્મિક લાગણીઓ અનુસાર અંતિમ સંસ્કાર થવા જોઈએ, તેવી રજૂઆતો સિનિયર વકીલો દ્વારા કરાઈ હતી.
ભીડ પર તો કાબૂ નથી, પણ માસ્ક તો અનિવાર્ય હોવું જોઈએ
માસ્ક ન પહેરનાર લોકો પાસેથી લેવાતા દંડ સામે કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી. ત્યારે સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જો કોઈ શ્રમિક સાયકલ પર જતો હોય અને તેણે યોગ્ય રીતે માસ્ક ન પહેર્યું હોય તો જો એ પોલીસ સામે માસ્ક પહેરી લે તો પેનલ્ટી ન થવી જોઈએ. જોકે, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી આ વાતથી સહમત થયા ન હતા. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું હતું કે, લોકોની ભીડ પર આપણો કાબૂ નથી. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ પર કાબૂ નથી તો ઓછામાં ઓછું માસ્ક તો અનિવાર્ય હોવું જ જોઈએ. બીજી તરફ સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ કહ્યું હતું કે, જો એક હજાર રૂપિયાનો દંડ હશે તો 200 રૂપિયા કોન્સ્ટેબલના ખિસ્સામાં જશે.
લોકો પાસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવનારા ખુદ નથી કરતા
સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ જણાવ્યું હતું કે, અહેવાલો મુજબ હાલમાં AMC 25 હજારથી વધુ વેક્સિન આપી શકે તેમ નથી. આ સામે કોર્ટે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનનો સપ્લાય આપવો તે સપ્લાયર એજન્સી ઉપર આધારિત છે. આ સિવાય પણ સિનિયર એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સોશિયલ ડિસ્ટનસિંગ પાળવાના ચક્કરમાં લોકોને પાર્ક્સ અને ગાર્ડનમાં જવા દેવામાં નથી આવતા. અહીં જવાબદારી નિભાવતા કોન્ટેબલ લોકોને મેદાનમાં જતા અટકાવે છે, પણ પોતે ટોળામાં ઉભા રહેતા હોય છે. લોકોને જતા અટકાવવાની સાથે સાથે તેમણે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ.
બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે- અસીમ પંડ્યા
એડવોકેટ અસીમ પંડ્યાએ કોર્ટમાં પારસીઓની ધાર્મિક અસ્થાને લઇને રજૂઆત કરી હતી. અસીમ પંડ્યાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પારસીઓની અંતિમ વિધિ તેમના સંસ્કારો મુજબ થવા જોઈએ. આ ઉપરાંત WHOની ગાઈડલાઈનમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ડેડબોડીથી કોરોના ફેલાતો નથી. હાલની કોરોના પરિસ્થિતિ મુજબ અંતિમવિધિ માટે નક્કી કરાયેલી ગાઈડલાઈનમાં પારસી સમાજ (Parsi Community) ને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ પરસીઓનો અધિકાર છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જો એક વ્યક્તિ પણ પોતાના ધાર્મિક રીતરિવાજો મુજબ અંતિમ સંસ્કાર કરાવવા ઈચ્છતો હોય તો જ્યાં સુધી વૈજ્ઞાનિક તારણો (Scientific Reasons) ન હોય ત્યાં સુધી તેને રોકી શકાય નહીં.
કોરોનામાં ઉદ્યોગો અને વેપારીઓને રાહત, તો શ્રમિકોને કેમ નહીં ?
એડવોકેટ કે. આર. કોષ્ટીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારે આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘણા વેપારીઓ અને ઉદ્યોગકારોને આર્થિક મદદ કરી છે, પરંતુ રીક્ષા ચાલકોને કોઈ મદદ કરવામાં આવી નથી. આ સાથે છૂટક મજૂરી કરનારા લોકોને પણ મદદ કરવામાં આવી નથી. જોકે જસ્ટિસ ભાર્ગવ કારીયાએ કે. આર. કોષ્ટીને પ્રશ્ન કર્યો હતો કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત જુદી જુદી કેટેગરીના લોકોને લોન આપવામાં આવી રહી છે. તો પછી તમારી વાસ્તવિક માગણી શું છે?