અમદાવાદઃ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા કોરોનાનો વ્યાપ વધ્યો છે અને કોમ્યુનિટી ટ્રાન્સફર ભારતમાં શરૂ થઈ ચૂક્યું છે. રાજકીય પક્ષના નેતાઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે. જેમ કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત સાંસદો, કોર્પોરેટરો, ધારાસભ્યો ઉપરાંત જે-તે પક્ષના કાર્યકરો પણ કોરોના સંક્રમિત થયા છે.
કોરોના કાળમાં રાજકીય પક્ષોના આ બેજવાબદારી ભર્યા વર્તન બદલ ગુજરાત હાઇકોર્ટે બુધવારના રોજ રાજકીય પક્ષોની ઝાટકણી કાઢી છે. તે મુદ્દે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટની ટીપ્પણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નાના કાર્યક્રમ યોજાશે અને કોરોનાની ગાઈડલાઈનને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત વધુમાં વધુ વર્ચ્યુઅલ રેલી યોજવામાં આવશે. જો કે હવે આ નુકસાન થઇ ગયા પછીનું ડહાપણ છે.