અમદાવાદઃ ગુજરાતના કચ્છમાં આવેલ સફેદ રણ, આશાપુરા માતાનો મઢ, દ્વારિકા, સોમનાથ, અંબાજી, રાણકી વાવ, પાવાગઢ, બહુચરાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કાંકરિયા લેકફ્રન્ટ, સરખેજના રોજા, ઝુલતા મિનારા, હઠીસિંહના દહેરા, અડાલજની વાવ, અક્ષરધામ, રીવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, સીદી સૈયદની જાળી, મોઢેરાનું સૂર્યમંદિર, જૂનાગઢનો ગિરનાર, પોરબંદરનું કિર્તી મંદિર, અરવલ્લીની ગિરિમાળા, સાપુતારા, ધોળાવીરા વિગેરે જોવાલાયક અને ફરવાલાયક સ્થળો જે ગુજરાત અને ભારતની ઔતિહાસિક ધરોહર સમાન છે.
વિશ્વમાં વસતા ગુજરાતીઓ અને ભારતવાસીઓ જ્યારે વતનમાં આવે ત્યારે તેઓ ટુરિઝમ પ્લેસની મુલાકાત લે અને વિદશીઓને પણ લઈને આવે, તેવા શુભ આશય સાથે ગુજરાતમાં ટુરિઝમ પોલીસી બનાવાઈ છે.
ટુરિઝમ ઉદ્યોગ સાથે રોજગારી જોડાયેલી છે, જો ટૂરિઝમ ઉદ્યોગ ફૂલશેફાલશે તો અસંખ્ય લોકોને રોજગારી મળશે. વેપાર-ધંધા ખીલશે અને વિદેશી નાણું પણ ભારત તરફ આકર્ષાશે. ખૂશ્બુ ગુજરાત કી ટેગ લાઈન હાલ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ચુકી છે. ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસનને પ્રમોટ કરાયું હતું, ત્યારે અમિતાભ બચ્ચન દ્વારા તમામ જાહેરાતમાં ‘ખૂશ્બુ ગુજરાતી કી’ ટેગ લાઈન આપી ત્યારથી તે ખૂબ વિખ્યાત બની અને ગુજરાતના ટુરિઝમ સ્થળો વધુ ખ્યાતનામ બન્યા.
- પોલીસીમાં હોટલ ઉદ્યોગ માટે સહાય
ગુજરાતની હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં જે મહત્વપૂર્ણ બાબતો આવરી છે તેમાં, હેરીટેજ ટુરિઝમ પોલીસી અંતર્ગત નવી શરૂ કરવામાં આવેલ હેરીટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા હયાત હોટલ અને હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટના રીનોવેશન અને રીપેરીંગ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. હોટલ માટે 25 કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો 20 ટકા સબસિડી એટલે કે મહત્તમ 5 કરોડ રૂપિયા સુધીની સહાય અને 25 કરોડ રૂપિયાથી વધારેના રોકાણ માટે મહત્તમ 10 કરોડ રૂપિયાની નાણાકીય સહાય સરકાર આપશે.
ન્યુ હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવેટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા તેના રીનોવેશન, રીસ્ટોરેશનમાં 3 કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો 15 ટકા લેખે 45 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. 3 કરોડથી વધારે રોકાણ પર 15 લેખે 1 કરોડ રૂપિયાની સહાય સરકાર આપશે.
- આ પણ વાંચોઃ ડિસ્કવર ઈન્ડિયાઃ ભરૂચનો ઐતિહાસિક સોનાનો પથ્થર
હેરિટેજ ટુરિઝમ પોલિસીના સમયગાળા દરમ્યાન મંજૂર અને વિતરણ થયેલી લોન ઉપર પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી પ્રતિવર્ષ 30 લાખની મર્યાદામાં અપાશે. ગુજરાત સરકારે હેરિટેજ હોટલ, બેન્કવેટ હોલ, મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ માટે આ પોલિસી અંતર્ગત કેટલાક ઇન્સેટીવ્ઝ આપવાની જોગવાઈ પોલિસીમાં કરી છે. તે અનુસાર, 5 વર્ષ માટે 100 ટકા ઇલેકટ્રીક સિટી ડયૂટી માફી, માર્કેટીંગ સપોર્ટ અન્વયે નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે રેન્ટ સહાય, વગેરેનો પણ લાભ મળશે.
ગુજરાતમાં લોથલ, ધોળાવીરા જેવા પ્રાચીન ઐતિહાસીક નગરો, રાણકીવાવ અને ચાંપાનેર જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટ તેમજ વિશ્વના એક માત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો ભવ્ય ગૌરવ વારસો છે. તે વધુ લોકો સુધી પહોંચે અને તે વારસાને વિશ્વના લોકો માણે તેવા પ્રયાસ ગુજરાત સરકારે શરૂ કર્યા છે.
- ગુજરાત ટુરિઝમ પોલીસીની હાઈલાઈટ્સ
- રાણકી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તાર-ગામો નગરોમાં પડેલી સુષુપ્ત ઐતિહાસિક-વિરાસત-પ્રાચીન ધરોહર વિશ્વ સમક્ષ પ્રવાસન સહેલગાહ સ્થળ તરીકે ઊજાગર કરવાની પહેલ
- વર્ષોથી વણવપરાયેલી પ્રાચીન ઇમારતો મહેલો કિલ્લામાં હવે શરૂ થશે હેરિટેજ હોટલ બેન્કવેટ, રેસ્ટોરન્ટ-મ્યુઝિયમ
- હેરિટેજ ટુરિઝમમાં વિદેશી યાત્રિકો-દેશભરના પ્રવાસીઓને વધુ પ્રમાણમાં જોડવાનો નવો વિચાર
- પ્રવાસન-હોટલ-સર્વિસ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરી સ્થાનિક રોજગારીનું સર્જન કરવાની પહેલ
- રાજ્યમાં વિદેશી પ્રવાસીઓના આવા હેરિટેજ સ્થળોએ આગમનથી વિદેશી હુંડિયામણ મળશે
- હોલિસ્ટીક ટુરિઝમ ડેવલપમેન્ટનો આગવો વ્યૂહ
- હેરિટેજ હોટલ-બેન્કવેટ હોલ-મ્યૂઝિયમ-રેસ્ટોરન્ટના નિર્માણ માટે રિનોવેશન માટે રાજ્ય સરકાર આપશે રૂ. 45 લાખથી 10 કરોડની સહાય
- હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં ઉદારત્તમ પ્રોત્સાહનો અપાશે
- પાંચ વર્ષ માટે ઇલેકટ્રીક સિટી ડયૂટી માફી
- માર્કેટીંગ સપોર્ટ અન્વયે નેશનલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે રેન્ટ સહાય
- દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિ-પરંપરા-ખાનપાનથી નજીકથી ભલીભાંતિ પરિચિત થશે
- ગ્રામીણ રોજગારીની તકમાં વધારો થશે
ગુજરાત સરકાર દ્વારા ટૂરિઝમ સ્થળો પર હોટલ ઉદ્યોગને વિશેષ સહાય જાહેર કરી છે, જેથી હોટલ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ મોટાપાયે વિદેશી રોકાણ આવશે અને તેનાથી વિશ્વ પ્રવાસીઓને ઉત્તમ પ્રકારની હોસ્પિટાલીટી મળશે.
ઈ ટીવી ભારત ગુજરાતની એક પહેલ હતી કે લોકો ગુજરાતના ઐતિહાસિક સ્થળોને જાણે અને તેનાથી વધુ પરિચિત થાય તે માટે ‘ડિસ્કવર ઇન્ડિયા’ કરીને સિરિઝ કરી હતી. જેમાં ગુજરાતની ધરોહરસમા અને ઐતિહાસિક સ્થળો પરનું ગ્રાઉન્ડ રીપોર્ટિંગ કરીને વિશેષ અહેવાલ ઈટીવી ભારત પોર્ટલ પર પ્રકાશિત કર્યો હતો અને હવે જ્યારે ગુજરાત સરકારે ટૂરિઝમ પોલીસીની જાહેરાત કરી છે, ત્યારે તેને વધુ પ્રોત્સાહન મળશે અને ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ વેગવાન બનશે.
ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત