અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓ ચાલુ વર્ષના અંતે યોજાવાની છે. વર્તમાન સંજોગોને જોતા ચૂંટણીઓ વહેલી યોજાય તેવી પણ સંભાવના રહેલી છે. ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. સૌથી મોટા શહેર અમદાવાદ પાસે વિધાનસભાની 17 બેઠકો અને અમદાવાદ જિલ્લાની 04 બેઠકો મળીને વિધાનસભાની કુલ 21 બેઠકો (assembly seat of Ahmadabad) અમદાવાદમાં આવેલી છે.એમાં અસારવા વિધાનસભા બેઠક વિશે વિગતવાર જોઇએ.
અસારવા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી -અસારવા વિધાનસભા મતક્ષેત્ર અમદાવાદ જિલ્લામાં આવે છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મતક્ષેત્રમાં તેનો સમાવેશ થાય છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બેઠકમાં કયા વિસ્તારોનો સમાવેશ થાય છે તે વિશે વાત કરીએ તો આ બેઠકમાં 2017 ના ડેટા પ્રમાણે 2,16,917 મતદારો છે.જેમાં મહિલા મતદાર-1,03,977 અને પુરુષ મતદાર 1,12,967 છે. બેઠક અમદાવાદના શહેરી વિસ્તારમાં આવતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 17, 18, 19, 20 અને 44 નો તેમાં સમાવેશ થાય છે. દૂધેશ્વર, શાહપુર, શાહીબાગ, અસારવા, દિલ્હીચકલા વગેરે વિસ્તારોનો તેમાં સમાવેશ થાય છે. આ બેઠકમાં મોટાપાયે ગરીબ અને મધ્યમ વર્ગનો સમાવેશ થાય છે. વસ્તીમાં અનુસૂચિત જાતિ, દેવીપૂજક, મુસ્લિમ અને મારવાડી કોમ્યુનીટી જોવા મળે છે.
આ પણ વાંચોઃ Gujarat Election 2022 : ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો તેમની વિશેષતા
અગાઉની ચૂંટણીના પરિણામો -2017 વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના પ્રદીપ પરમારને 87,238 મત મળ્યા હતા. સામે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ વાઘેલાને 37,974 મત મળ્યા હતા. પ્રદીપ પરમારે કનુભાઈને 49,264 વોટથી પરાજય આપ્યો હતો. બંનેને કુલ મતોમાંથી અનુક્રમે 65.80 અને 28.64 ટકા મત મળ્યા હતા.આ વિધાનસભા બેઠક 1962 ની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસના કબ્જામાં રહી છે. પરંતુ 2002, 2007, 2012 અને 2017 એમ સતત ચાર વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે આ બેઠક પરથી વિજય મેળવ્યો છે. આ બેઠક પરથી 2017 માં રાજયના વર્તમાન સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમાર ચૂંટણી જીત્યા હતા. તેઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ પ્રધાનનું પદ ધરાવે છે. આ પહેલા 2012 ની ચૂંટણીઓમાં રજની પટેલ અહીંથી ચૂંટાયા હતા. 2007 અને 2002માં પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતાં.
પ્રદીપ પરમાર ભાજપના જૂના કાર્યકર -પ્રદીપ પરમાર ભાજપના જૂના કાર્યકર રહ્યાં છે. તેઓ અસારવાના કલાપીનગરમાં રહે છે. 2008 અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસના તેઓ સાક્ષી રહ્યા છે. બૉમ્બ બ્લાસ્ટના સમાચાર સાંભળી તેઓ અસારવામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને મદદ કરવા ટ્રોમાં સેન્ટર પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં બ્લાસ્ટ થતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં. તેમની સામે કેટલાક લોકોએ દમ તોડ્યો હતો.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : આ બેઠક પર બંને પક્ષ માટે સૌથી મોટો યક્ષપ્રશ્ન ઉમેદવારનો બનવાનો છે!
અસારવા વિધાનસભા બેઠકની ખાસિયત- અસારવા વિસ્તાર ખરેખર તો સિવિલથી પ્રખ્યાત બન્યો છે. ગુજરાતમાં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ્સમાંની એક છે. અમદાવાદ શહેર, સંપૂર્ણ રાજ્ય અને આસપાસના રાજ્યમાંથી પણ લોકો અહીં સારવાર કરાવવા આવે છે. આ મેડિકલ હબ તરીકે ઉભરી રહ્યું છે. ઉપરાંત નાના-મોટા કારખાના અને માર્કેટ આ વિસ્તારમાં આવેલા છે. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા પ્રદીપ પરમાર અસારવા બેઠક પરથી જીતીને હવે પ્રધાન પણ બન્યાં છે. અમદાવાદની પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ એવી માતાહરિની વાવ પણ આ વિસ્તારમાં આવેલી છે.
અસારવા વિધાનસભા બેઠક વિસ્તારની માગ -આ વિસ્તારમાં દારૂનું દૂષણ ખૂબ જ મોટું છે. અહીંના લોકો અને અમદાવાદમાં દારૂનું સેવન કરનારા માટે અસારવા કુખ્યાત વિસ્તાર છે. અભણ અને ગરીબ તેમજ સંકુચિત માનસિકતાવાળી પ્રજાનું વર્તન કાયદા વિરુદ્ધ થઈ જાય છે. છાસવારે હત્યાના બનાવો પણ બને છે. રોડ, ગંદકી અને દબાણની સમસ્યા પણ છે.કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન સાથે ઝૂંપડાવાળાને આવાસ, ઝડપી આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતા આ વિસ્તારના લોકોની માગ છે.