- શબ-એ-બરાત તહેવારની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર
- ભીડ ભેગી ન કરવી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું
- ગાઈડલાઈન્સનું કડક પાલન કરવુ પડશે
અમદાવાદઃ આગામી સમયમાં રાજયમાં હોળી અને શબ-એ-બારાતના તહેવારને લઈ રાજય ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે, તહેવારોને લઈ તમામ લોકોએ સરકારે જાહેર કરેલી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત મસ્જિદમાં રાત્રિ ઈબાદતમાં વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાડ્યો છે. શબ-એ-બારાતની રાત્રે મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં ભેગા થાય છે અને તેમના પ્રિય લોકોની કબરો પર મુલાકાત લેવા કબ્રસ્તાનમાં જાય છે, મસ્જિદો અને કબ્રસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યારે કોરોનાના સંક્રમણ વધે નહીં તે માટે સરકારી ગાઇડલાઈનનો કડક અમલ કરવાનું રહશે.
આ પણ વાંચોઃ માસ્ક પહેરીને પણ ધુળેટી રમવાથી કોરોના સંક્રમણ થવાની ભીતી છેઃ મનપા કમિશ્નર બંછાનિધિ પાની
રાજ્ય સરકારે હોળી માટે પણ ગાઈડલાઈન જાહેર કરી છે
હોળીને લઈને પણ સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં પણ માર્ગદર્શિકા મુજબ વૈદિક વિધિ વિધાનથી દર વર્ષની જેમ હોળી પ્રગટાવી શકાશે. સરકારે હોળીના પ્રાગટ્યની મંજૂરી આપી છે. લોકો શેરી, મહોલ્લા, સોસાયટીમાં હોળી પ્રગટાવી શકશે અને દર્શન કરીને પરિક્રમા કરી શકાશે, પરંતુ હોળી બાદ આવતાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરવાની મનાઇ ફરમાવી છે.
જાહેરમાં પાણી કે રંગ ઉડાડી નહીં શકાય
આ પહેલા પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હોળીની ઉજવણી અંગે સ્પષ્ટતા કરતા જાહેરાત કરી હતી કે, હોળીના પર્વ પર લોકો શેરી, મહોલ્લામાં વૈદિક વિધિ વિધાન સાથે હોળીનું પ્રાગટ્ય અને પૂજા વિધિ કરી શકશે. પરંતુ બીજે દિવસે આવતા ધુળેટીના પર્વની ઉજવણી પર રાજ્ય સરકારે રોક લગાવી છે. ધૂળેટીના દિવસે કોઇને ગુલાલ, પાણી કે અન્ય રંગો નહીં ઉડાડી શકાય એટલે રંગેથી રમવા પર રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હોળીના તહેવારને લઇ અગત્યની માર્ગદર્શિકા પાડી બહાર