- મતદારોએ પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા છે
- ભાજપનું બૂથ મેનેજમેન્ટ સફળ રહ્યું
- કોંગ્રેસના ગઢમાં ભાજપના કાર્યકરોની ફોજે ગાબડું પાડ્યું
અમદાવાદઃ ગુજરાતના સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સંગઠનાત્મક વ્યૂહરચના ઘડવામાં આવી હતી. ભાજપના જૂથવાદને સમાપ્ત કરવામાં પાટીલ સફળ રહ્યા છે. તે 8 બેઠક પરનું પરિણામ બતાવે છે.
મતદારોના મન કળવા અઘરા છે
સામાન્ય રીતે પક્ષપલટુઓને ગુજરાતના મતદારો સ્વીકારતા નથી, તે ઉક્તિ હાલ ખોટી ઠરી છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, જેમાંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને ભાજપે આ પાંચેય ધારાસભ્યોને ટિકિટ આપી હતી. તે તમામ ધારાસભ્યો ચૂંટણી જીતી ગયા છે. પક્ષપલટુઓને મતદારોએ સ્વીકાર્યા છે, અને મત પણ આપ્યા છે. હા... પક્ષપલટો કરવો તો સારી વાત નથી, તે મતદારો સાથે દગો કરવા સમાન છે. પણ મતદારોએ પક્ષપલટો કરનારને વધાવી લીધા છે અને ભાજપની વિચારધારાને મત આપીને જીત અપાવી છે.
ગદ્દાર ધારાસભ્યોને પાઠ ભણાવવા કોંગ્રેસે કમર કસી હતી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ આઠેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. કોંગ્રેસનો ગઢ આજે ભાજપે આ ગઢને તોડી નાંખ્યો છે. આયાતી ઉમેદવારોને મતદારો બરાબરનો પાઠ ભણાવશે, તેવી ચર્ચા હતી, પણ ભાજપે બધુ ગોઠવી લીધું અને મતદારોના મનમાં ઠસાવી દીધું છે કે, વિકાસ કરવો છે તો ભાજપ જ જોઈએ. હિન્દુત્વ વિચારસરણીને અનુસરવી છે, તો ભાજપ જ જોઈએ. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, તો ભાજપ જ જોઈએ. કલમ 370 હટાવવા જેવો કઠિન નિર્ણય ભાજપ જ લઈ શકે. આ તકે એવું કહી શકાય કે, કોંગ્રેસના ગઢમાં મતદારોનો ઝોક ભાજપ તરફી થઈ ગયો છે.
હાર્દિક પટેલ પર હારનું ઠીકરું ફોડાશે?
પાંચ બેઠકો પર જ્યાં કોંગ્રેસના જ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપીને ઉભા રાખ્યા હતા, ત્યાં કોંગ્રેસે જ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો. ગદ્દારોનો નારો આપીને પ્રચાર કર્યો, કોંગ્રેસના નવા ઉપપ્રમુખ હાર્દિક પટેલે જોરશોરથી પ્રચાર કર્યો, કોંગ્રેસ પ્રમુખથી માંડીને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આ બેઠક પર ખૂબ પ્રચાર કર્યો. પણ કોણ જાણે મતદારો પર તેની કોઈ અસર ન પડી, પૈસા માટે વેચાઈ ગયેલા ધારાસભ્યોને જ મતદારોએ મત આપ્યો. કોંગ્રેસ માટે તો આ પરિણામ આધાતજનક છે, અને આંચકારૂપ છે. આ 8 બેઠકો પર પાટીદાર મતદારો પણ રીઝ્યા નથી. જેથી હારનું ઠીકરું કોંગ્રેસ હાર્દિક પટેલ પર ફોડશે. તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ હતો
8 બેઠકોની ચૂંટણીના પરિણામથી વિધાનસભામાં સરકાર તૂટી જશે કે એવો કોઈ ફેરફાર થવાનો નથી. પણ આ જંગ પ્રતિષ્ઠાનો હતો. અને ભાજપના નવા પ્રદેશ પ્રમખ સી આર પાટીલના કાર્યકાળની પ્રથમ ચૂંટણી હતી, તેમણે 8 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. તે મુજબ તેમણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ પણ કર્યો હતો. ત્યાર પછી 8માંથી 8 બેઠક જીતવાનો વિશ્વાસ રજૂ કર્યો હતો. જેથી આ પ્રતિષ્ઠાનો જંગ પાટીલ માટે હતો. અને બીજી તરફ કોંગ્રેસનો જ ગઢ એવી 8 બેઠકો કોંગ્રેસ જીતે તો તેમનો ગઢ પાછો આવ્યો તેમ કહેવાય. એટલે કે કોંગ્રેસના જ ઉમેદવારો પક્ષપલટો કરીને ભાજપમાં ગયા અને ત્યાં તેઓ ચૂંટમીમાં ઉભા રહ્યા, તેમને હરાવવા માટે કોંગ્રેસ કમર કસી હતી. એટલા માટે કોંગ્રેસ માટે આ પેટા ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ હતો. ટૂંકમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ હતો.
ભાજપે કાર્યકરોની ફોજ ઉતારી હતી
ભાજપનું બુથ મેનેજમેન્ટ પણ ભાજપની સફળતા પાછળનું રહસ્ય છે. ભાજપે 8 બેઠકો પર પોતાના કાર્યકરોની મોટી ફોજ ઉતારી હતી, અને બુથ લેવલે અને ઘરેઘરે જઈને પ્રચાર કાર્ય કર્યું હતું. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ગઢમાં જઈને જે પ્રચાર કાર્ય કર્યું છે, તેને કારણે કોંગ્રેસી મતદારોને મન અને વિચારધારાને બદલી છે. જેનું પરિણામ આજે આપણને જોવા મળ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ પ્રચારનો જ ભાગ !
ભાજપના વિજય પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે… પણ આ સત્ય છે. પીએમ નરેન્દ્ર મોદી 30 ઓકટોબર અને 31 ઓકટોબરે ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા. 30 ઓકટોબરે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને સંગીતકાર મહેશ નરેશના અવસાન પછી તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા ગયા અને ત્યાંથી તેઓ સીધા કેવડિયા ગયા. કેવડિયામાં 32 પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું. 31 ઓકટોબરે એકતા પરેડ કરી, અને કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ આવ્યા, ત્યાંથી તેઓ દિલ્હી રવાના થયા. આ નાની વાત પણ ગુજરાતની જનતા પર મોટી અસર કરી ગઈ છે. ગમે તોય દિલ્હીમાં આપણા ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેઠા છે. જે મેસેજ 8 બેઠકોની પેટાચૂંટણીના મતદારો સુધી ગયો છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર માટે ભલે જાહેરસભા ન કરી હોય પણ મોદીએ ગુજરાતમાં બે દિવસની મુલાકાત લીધી તે પ્રચાર બરાબર હતો.
- ભરત પંચાલ, પાર્થ શાહ અને આશિષ પંચાલનો વિશેષ અહેવાલ