- કોરોનાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા દાવા પોકળ
- અમદાવાદના દર્દીઓને કેમ છેક વડોદરા, નડિયાદ સુધી દાખલ કરવા પડે છે
- સુપ્રીમ કોર્ટે રાજ્યમાં કોરોના સંક્રમણમાં થતા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી
- સરકાર ઢંગધડા વગરના આયોજનને કારણે કોરોના સંક્રમણ વધ્યું : અમિત ચાવડા
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં કોરોનાના મોરચે વણસતી જતી પરિસ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. તેમને સરકાર પર આરોપ મૂક્યો હતો કે, રાજ્ય સરકારના અણઘડ આયોજનના લીધે રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. રાજ્ય સરકારે જો પૂરતી તકેદારી રાખી હોત તો કોરોના સક્રમણમાં આટલો વધારો થયો ન હોત. આ જ કારણે સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યમાં કોરોના સંક્રમણમાં થતા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાનો સામનો કરવા માટે પૂરતી સગવડો હોવાનો દાવો કરે છે તે પોકળ છે. અમદાવાદના દર્દીઓને હોસ્પિટલમાં આણંદ કે નડિયાદ સુધી દાખલ કરવા પડે છે. છેક વડોદરામાં હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે છે તે શું દર્શાવે છે.
આંકડાઓ ખોટા છે કે સરકારના નિયમો?
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કેટલાક સવાલો સરકાર સામે પણ મૂક્યા હતા. જેમાં તેમને સરકારને સવાલ કર્યા હતા કે, ત્રણ મહિના પહેલા ગુજરાતમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા 1450 આવતી હતી અને આજે પણ 1450 કેસ આવે છે. તો ત્યારે કરફ્યૂ કે લોકડાઉન નહીં, પરંતુ હાલ કેમ રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તો આંકડાઓ ખોટા છે કે સરકારના નિયમો?
આંકડાઓમાં કંઇક તો ગરબડ છે
આ ઉપરાંત ગુજરાતમાં દર્દીઓની સંખ્યામાં પણ પેટર્નમાં જ બતાવવામાં આવી રહી છે. શરૂઆતમાં 400થી 450 કેસ, ત્યારબાદ ત્રણ મહિના 900થી 950 કેસ અને છેલ્લા કેટલાંક સમયથી 1400થી 1450 દર્દીઓની સંખ્યા બતાવવામાં આવી રહી છે. આથી આંકડાઓમાં કંઇક તો ગરબડ છે.
દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની
ગુજરાત સહિત કેન્દ્રની ભાજપ સરકારે લોકોને કોરોના સંક્રમણ મામલે અસત્ય પીરસવાનું જ કામ કર્યું છે. દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે. કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે, પરંતુ ભાજપ સરકારે યોગ્ય કામગીરી કરી નહીં. હોસ્પિટલ, ડૉક્ટર અને સ્વાસ્થય સુવિધાના મામલે સરકાર લાપરવાહ છે.
સરકારનું અણઘડ આયોજન : કોંગ્રેસ
આ દર્શાવે છે કે, સરકાર ભલે એકબાજુએ કોરોનાના દર્દીઓ માટે બેડ ખાલી હોવાનો દાવો કરતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે, આજે અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેના લીધે આજે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે જગ્યા જ રહી નથી. આ સરકારનું અણઘડ આયોજન નહીં તો શું છે? સરકાર પાસે આ સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો સમય હતો. આજે સરકારી હોસ્પિટલોમાં લોકોને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા નથી.
શિયાળામાં કોરોના વધવાનો હોવાની નિષ્ણાતોની ચેતવણી કેમ અવગણી
નિષ્ણાતો વારંવાર જણાવી રહ્યા હતા કે, શિયાળા દરમિયાન મોટા શહેરો અને ગીચ વસ્તીઓ કે વસાહતોમાં કોરોના સંક્રમણમાં વધારો થશે? આ બાબતે સરકારે આંખ આડા કાન કર્યા હતા. સરકાર દ્વારા પોકળ વાતો કરવામાં આવી રહી છે અને કોરોના અંકુશમાં આવી જશે તેવી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, પરંતુ તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં કોઈ રસ દાખવ્યો નથી.
બે દિવસના કરફ્યૂ કે રાત્રિ કરફ્યૂ લગાવાથી કોરોનાને આગળ વધતા કેવી રીતે રોકી શકીશું?
આમ સરકાર અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં કોરોનાના મોરચે આંકડા છૂપાવી રહી છે. તેની નિષ્ફળતાઓ છૂપાવી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ ચિંતા કરતાં જણાવ્યું હતું કે, કોરોના વધી રહ્યો છે અને ડિસેમ્બરમાં તે બેકાબૂ બનશે. આ સાથે અમિત ચાવડાએ સરકારને સવાલ કરતા જણાવ્યું હતું કે, મારે સરકારને પૂછવું છે કે, બે દિવસના કરફ્યૂ કે રાત્રિ કરફ્યૂ લગાવાથી કોરોનાને આગળ વધતા કેવી રીતે રોકી શકીશું?