- અમદાવાદમાં ત્રિ-દિવસીય ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ
- શહેરીજનોને ફ્રેશ અને ઓર્ગેનિક ખેતપેદાશ મળશે
- 7, 8 અને 9 માર્ચ સુધી ચાલશે ફેસ્ટિવલ
અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 07, 08 અને 09 માર્ચે ત્રિ-દિવસીય ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવારે સવારે 11:00 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ ફેસ્ટિવલ ખૂલ્લો મુક્યો હતો. આ પ્રસંગે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને વિશેષ મહેમાન તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ફેસ્ટિવલમાં 125 જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. જેમાં ફળ, ફૂલ, શાકભાજી અને કરિયાણાની ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ઓર્ગેનિક ખેતીનો ફાળો મહત્વનો: મુખ્યપ્રધાન રૂપાણી
આ પ્રસંગે મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. ખેતરમાં ઉગેલી તાજી અને ઓર્ગેનિક વસ્તુઓ પ્રજાને મળે તેવો આ ફેસ્ટિવલનું હેતુ છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આધુનિક સમયમાં કેન્સર જેવા રોગો વધી રહ્યા છે, ત્યારે ઓર્ગેનિક અને કેમિકલ મુક્ત વસ્તુઓ ખાવાથી આ રોગથી દૂર રહી શકાય છે. સસ્ટેનેબલ ડેવલોપમેન્ટમાં પણ ઓર્ગેનિક ખેતી મહત્ત્વની પૂરવાર થવાની છે. ઓર્ગેનિક વસ્તુઓની માગ વધવાથી ખેડૂતોની આવક પણ બમણી થશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા
1.05 લાખ ખેડૂતોએ ખરીફ સિઝનમાં પ્રાકૃતિક ખેતી કરી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ખરીફ સિઝનમાં 1.05 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી હતી. ગુજરાતમાં જેટલા લોકો પ્રાકૃતિક ખેતી કરશે અને ગાય પાળશે તેમને દર મહિને ગાયના નિભાવ ખર્ચ પાછળ 900 રૂપિયાનું માસિક ભરણપોષણ અપાશે, તેવી યોજના પણ ગુજરાત સરકાર લાવી હતી. 22 ડિસેમ્બર સુધી આ યોજના અંતર્ગત 48 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા અપાયા છે. હવે 02 લાખ નવા ખેડૂતોને રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનું પ્રાવધાન કરાયું છે.

કોરોનાકાળમાં ઇમ્યુનિટી વધારવા ઓર્ગેનિક આહાર જરૂરી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આ ફેસ્ટિવલમાં જે લોકોએ સ્ટોર લીધો છે, તેઓ કેમિકલયુક્ત ખેતી નથી કરતા. ઉપભોક્તાના સ્વાસ્થ્ય અને નિરોગી જીવન માટે ઓર્ગેનિક વસ્તુઓનો વપરાશ જરૂરી છે. અનાજ, કઠોળ, શાકભાજી વગેરે રસાયણ મુક્ત બને તે જરૂરી છે. કોરોનાકાળમાં ઇમ્યુનિટી વધારવા માટે પ્રાકૃતિક આહાર જરૂરી છે. પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનોની માગ વધતા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાશે.
ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો જાહેર
રાજ્યપાલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં કોઈપણ પ્રકારના કેમિકલ વગર ખેતી થાય છે. ત્યાં ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે. ગુજરાતના દરેક જિલ્લામાં એક ગામને પ્રાકૃતિક ખેતીયુક્ત ગામ બનાવવાનું જાહેર થશે. આ મિશન સાથે લાખો ખેડૂતો જોડાય તેવી ગુજરાત સરકારને આશા છે.