રણછોડ ભરવાડે હાઇકોર્ટમાં રી-જોઇન્ડર એફિડેવિટ રજૂ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબ સત્તાના મુખપત્ર સમાન છે. અરજદારે એફિડેવિટમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વણીકર ભવનમાં ઘૂસણખોરી કરનાર લોકોના ફોટા અગાઉ એફિડેવિટમાં રજૂ કરાયા હતા છતાં કોર્ટ સમક્ષ તેમના નિવેદન લેવામાં આવ્યા નથી. વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર પ્રાંત પાસે વણીકર ભવનનો કબજો હોવાનો રી-જોઇન્ડર એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે.
વણીકર ભવનના ટ્રસ્ટી નિમણુંક મામલો હાલ ચેરિટી કમિશનર પાસે પેન્ડિંગ છે. રાજ્ય સરકારે એફિડેવિટમાં સાક્ષી તરીકે પોલીસ કર્મચારીઓને રજૂ કર્યા, જ્યારે ટોળામાં દેખાયેલા લોકોના નિવેદન કે કોર્ટ સમક્ષ તેમના નિવેદન લેવામાં આવ્યા નથી. ખાનગી સંસ્થા અને પોલીસના સહયોગથી ટોળા દ્વારા વણીકર ભવનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હોવાનો રી-જોઇન્ડર એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
VHPમાંથી અલગ થયેલા પ્રવિણ તોગડીયા જુથ એટલે કે AHPનો આક્ષેપ છે કે, વણીકર ભવનનો કબજો મેળવવા માટે VHPના કાર્યકર્તાઓએ પોલીસ સાથે મળીને ટ્રસ્ટીઓને ભવનની બહાર કાઢ્યાં હતા અને બાદમાં ભારે હોબાળો કર્યો હતો, જેને લઈને રણછોડ ભરવાડ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ સહિત અનેક પક્ષકાર વિરૂધ અરજી દાખલ કરાઇ હતી.