- કચ્છનું સફેદ રણ 7,500 ચો.મી. વિસ્તારમાં પથરાયેલું છે
- ટેન્ટ સિટી 12 નવેમ્બરથી ખૂલશે
- ટેન્ટ સિટીમાં કોરોનાની તમામ ગાઈડલાઈન્સનું પાલન થશે
અમદાવાદઃ કચ્છનું ટેન્ટ સિટી ગુજરાત અને રાજ્ય બહારના પ્રવાસીઓને 7,500 ચો.મી. વધુ વિસ્તારમાં પથરાયેલા ખૂબ જ સુંદર અને નયનરમ્ય સ્થળ વિશ્વના સૌથી મોટા સોલ્ટ ડેઝર્ટ (સફેદ રણ)ની મુલાકાત લેવાની તક પૂરી પાડે છે.
દર વર્ષે 35,000થી વધુ લોકો મહેમાનગતિ માણે છે
આ ટેન્ટ સિટીમાં એર-કન્ડિશન્ડ અને નોન-એરકન્ડિશન્ડ ટેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહેમાનોની પસંદગી માટે પોસાય તેવા પેકેજના સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ધ છે. દર વર્ષે ટેન્ટ સિટી કચ્છની 35 હજારથી વધુ લોકો મુલાકાત લઈને અહીની મહેમાનગતીનો પ્રથમદર્શી અનુભવ માણે છે. આ ઉપરાંત 20 દેશના 5 લાખથી વધુ મુલાકાતીઓ વિતેલા વર્ષોમાં કચ્છના સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે.
કચ્છના આકર્ષક સફેદ રણની મુલાકાત લઈને અહીં સોલ્ટ ડેઝર્ટમાં સૂર્યાસ્તની ભવ્યતાની મોજ માણી શકે છે. પ્રવાસીઓ નજીકમાં આવેલા કાળા ડુંગરની મુલાકાત લઈ શકે છે. અહીં નજીકમાં પ્રવાસીઓને ગમી જાય તેવા અન્ય ઐતિહાસિક સ્મારકો અને મુલાકાત લેવા જેવાં સ્થળો આવેલા છે. મહેમાનો અહીં લોકનૃત્ય અને સંગીતના કાર્યક્રમની મોજ પણ માણી શકે છે. આ ઉપરાંત હસ્તકલાના કસબીઓને કામ કરતા જોઈ શકાય છે અને તેમની પાસેથી કલાકૃતિઓની સીધી ખરીદી પણ કરી શકાય છે.
મહેમાનોની સલામતી માટે તમામ પગલાં લેવાયા
કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઈને વાહનો તથા ટેન્ટ સિટીના સમગ્ર વિસ્તારમાં મહેમાનોની સલામતી માટેનાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. અહીં વાહનો, સ્વાગત વિસ્તાર, ડાઈનીંગ હૉલ, હાટ વિસ્તાર, એડવેન્ચર સ્પોર્ટસ ઝોન, તથા અન્ય વિસ્તારોમાં સફાઈ અને ડિસ્ઈન્ફેકશનની નવી પ્રણાલીઓ અમલમાં મૂકવામાં આવી છે.