અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂય ઓફ પ્લસમાં રિસર્ચના વરિષ્ઠ વૈજ્ઞાનિક શુભ્રતા પ્રધાને વકીલ ઉત્કર્ષ દવે મારફતે હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટમાં રજૂઆત કરી હતી કે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની (CVC) ભલામણ વગર જ સત્તાની બહાર જઈ IPR ગાંધીનગરની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેને ગેરકાયદેસર રીતે તેમની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અરજદાર તરફે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોતે ગાંધીનગર IPR ડિરેક્ટર પદ માટેની સમક્ષ લાયકાત ધરાવતા હોવાથી IPRના (ગાંધીનગર) વર્તમાન ડિરેક્ટર શશાંક ચતુર્વેદીએ બદ ઇરાદે અને ખોટી રીતે તેમને સસ્પેન્ડ કર્યા છે.
ગાંધીનગર IPRના વર્તમાન ડિરેકટર શશાંક ચતુર્વેદીએ સતાની બહાર જઈ 28 ઑગસ્ટ 2018ના રોજ અરજદાર શુભ્રતા પ્રધાનને વરિષ્ઠ વૈજ્ઞાનિકના પદથી સસ્પેન્ડ કર્યા હતા. હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વરિષ્ઠ વૈજ્ઞાનિકને સસ્પેન્ડ કરવાની સત્તા ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન પાસે છે, જ્યારે આ કેસમાં વિભાગના ડિરેકટર દ્વારા તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વરિષ્ઠ વૈજ્ઞાનિક શુભ્રતા પ્રધાનના સસ્પેનશન ઓર્ડરને અન્ય એક રીટ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચાર્જશીટને પડકારતી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમને ફરજ પર પાછા લેવામાં આવે અને નોકરીને લગતા તમામ આર્થિક લાભ તેમને આપવામાં આવે.
અરજદારના સસ્પેન્શન ઓર્ડરને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા કોઈ સમર્થન મળ્યું નથી. આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અરજદાર વરિષ્ઠ વૈજ્ઞાનિક શુભ્રતા પ્રધાન વર્ષ 1995માં વૈજ્ઞાનિક તરીકે IPR ગાંધીનગરમાં જોડાયા હતા. ત્યારબાદ સારી કામગીરી બદલ તેમનું પ્રમોશન થયું હતું અને વર્ષ 2015માં વિભાગના સૌથી સિનિયર વૈજ્ઞાનિક તરીકે નિમણૂક પામ્યા હતા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉક્ટર એ.પી.જે અબ્દુલ કલામ સાથે પણ કામ કર્યું છે. અરજદાર IPR ગાંધીનગરના ડિરેક્ટર પદ માટે ફીટ હોવાથી બદ ઇરાદે તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.