- ગાંધી આશ્રમ વસાહતીઓને 7 દિવસની નોટિસ આપવામાં આવી
- વસાહતીઓએ કહ્યું અમારું પુનર્વસન કરવામાં આવે
- 30 વર્ષથી 55 પરિવારો અહીં વસવાટ કરે છે
અમદાવાદઃ ગાંધી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટ ( Gandhi Ashram Restoration Project ) અંતર્ગત ગાંધી આશ્રમ સામે પાણીની ટાંકી પાસે આવેલા કાચા છાપરામાં વસતા આશરે 55 જેટલા પરિવારોને કલેકટર કચેરી અમદાવાદ અને મામલતદાર દ્વારા ત્રણ દિવસની અંદર ત્યાંથી ખસી જવા અને તેમના મકાનો ખાલી કરવાની 20 તારીખે મૌખિક જણાવ્યું હતું. પરંતુ ત્યાં વસતા લોકોની માગણી છે કે સરકાર દ્વારા કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવે અને તેઓનું પુનર્વસન કરવામાં આવે. આ રીતે તેઓના મકાનોને ગેરકાયદે રીતે તોડી પાડવામાં ન આવે અને તેઓના બંધારણીય અને કાયદાકીય હકોનું રક્ષણ થાય તેવી માગણી કરી હતી.
આ પહેલાં ક્યારેય કોઈ નોટિસ આપવામાં નથી
આ વસાહતીઓ તરફથી લડી રહેલા વકીલ મંગલ ગઢવીએ જણાવ્યું હતું કે આ પહેલાં ક્યારેય કોઈ નોટિસ આપવામાં નથી. ફક્ત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે અહીં મકાનો ખાલી કરો. પરંતુ અમે અહીં રહેતા લોકો તરફથી પુનર્વસન ( Rehabilitation ) માટે માગણી કરી છે. લીગલ પોલીસી પ્રમાણે તેઓ પુનર્વસન માટે લાયક છે, પરંતુ ગેરકાયદે રીતે ખસેડવામાં આવી રહ્યાં છે. જો અહીં રહેતા લોકોને ન્યાય નહીં મળે તો હાઇકોર્ટ (Gujarat High Court ) સુધી પણ જઈશું. જો કે આ પહેલા પણ અમે કોર્પોરેશન ( AMC ) તેમજ અલગ અલગ ચાર જગ્યાએ અરજીઓ પણ પહોંચાડી છે અને પુનર્વસન માટેની માગ કરી છે.
મજૂરી કરતાં લોકોએ કહ્યું, ભાડાના મકાનમાં રહેવું અમારા માટે મુશ્કેલ છે
અહીં રહેતા લોકોનું કહેવું છે કે અહીં 30 વર્ષથી અમે વસવાટ કરીએ છીએ અને અહીં રહેતા તમામ લોકો મજૂરી જેવા કામો સાથે જોડાયેલા છે. જેથી રોજનું કમાઈ રોજનું થાય છે. જો અમને અહીં ખાલી કરાવવામાં આવે છે તો અમે ક્યાં જઈશું? કેમકે ભાડાના મકાનમાં રહેવું અમારા માટે મુશ્કેલ છે. અમને સરકાર દ્વારા નિરાધાર કરી અહીંથી ખસેડી દેવા માટેની તૈયારીઓ કરી દીધી છે. પરંતુ અમારો પણ હક બને છે કે, ઘણા વર્ષોથી અહીં રહીએ છીએ તો સામે અમને બીજી જગ્યાએ રહેવા માટે ફાળવવામાં આવે તેવી તેમણે માગણીઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધી આશ્રમ રિસ્ટોરેશન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંનો ( Gandhi Ashram Restoration Project ) એક છે.
આ પણ વાંચોઃ PM મોદીનો ગાંધી આશ્રમ ડ્રીમ પ્રોજેક્ટ, 231 કરોડનું રીડેવલપમેન્ટ કામ AMC કરશે
આ પણ વાંચોઃ કાર્યકરતાઓ અને લેખકોએ સાબરમતી આશ્રમના વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કર્યો