- અમદાવાદમાં એક વિદેશી વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર
- GTUમાં અભ્યાસ કરતા એક વિદેશી વિદ્યાર્થીએ 11મા માળેથી કૂદી આપઘાત કર્યો
- વિદ્યાર્થી બીજા વર્ષમાં નાપાસ થતાં કર્યો આપઘાત
અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં રહેતો અને GTUમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીએ મંગળવારે 11મા માળેથી કૂદી પોતાનું જીવન ટુકાવ્યું હતું. ઘટનાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. આ વિદ્યાર્થી ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય વિદેશી વિદ્યાર્થી સાથે PGમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી કેટલાક સમયથી માનસીક તાણ (Mental stress)માં હતો અને તેના જ કારણે આપઘાત કર્યો હશે તેવું બહાર આવ્યું હતું.
પરીક્ષામાં નાપાસ થવાને કારણે
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પુછપરછમાં વિદ્યાર્થી બીજા વર્ષમાં નાપાસ થતાં સતત ડિપ્રેશનમાં રહેતો હતો અને છેલ્લા એક વર્ષથી તેની ડિપ્રેશનની દવા પણ ચાલી રહી હતી. મંગળવારે અગમ્ય કારણોસર તેણે આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી, મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Gujarat Weather Report : આગામી 7 દિવસમાં રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના નહિવત
માતા-પિતા પહોંચશે ભારત
પોલીસે આ મામલે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વિદેશમાં રહેતા વિદ્યાર્થીના પરિવારજનોને મામલાની જાણકારી આપી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો બુધવાર સુધી ભારત આવી શકે છે. પોલીસે વિદ્યાર્થીના મોત મામલે તપાસ અંગે કોલેજ તથા તેના મિત્રોની પ્રાથમિક પુછપરછ કરી કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો : Navsari Civil Hospital ની જર્જરિત ઇમારતનો સ્લેબ તૂટતાં નર્સિંગની વિદ્યાર્થિની ઇજાગ્રસ્ત