અમદાવાદઃ દેશમાં ચોમાસાને લઈ ભારતીય મોસમ વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. દેશમાં ચોમાસાનું આગમન 5 જૂને કેરળમાં દસ્તક દેશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે, તેમજ ચોમાસુ 4 દિવસ મોડું કે વહેલું બેસી શકે છે. જોકે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનું મોસમ વિભાગનું પૂર્વાનુમાન છે, જ્યારે ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું શરૂ થશે.
દેશમાં ઓગસ્ટ થી સપ્ટેમ્બર મહિનામાં લાનિનોની અસર થશે. લાનિનો એટલે કે પૂર્વ મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન ઠંડુ રહશે. જ્યારે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન ગરમ રહેશે. જે ચોમાસા માટે સાનુકૂળ કહેવાય. હવામાન વિભાગે 40 વર્ષના ડેટા એનાલિસિસ બાદ જાહેર કર્યું છે કે ચોમાસાની ઋતુની શરૂઆત ગુજરાતમાં 8 દિવસ પાછળ થશે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હતી. જેના બદલે સત્તાવાર ચોમાસુ 21 જૂનથી શરૂ થશે.