- અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2 આરોપીની ધરપકડ કરી
- લાયસન્સ બનાવવાના પાંચ હજાર વસૂલતા હતા આરોપી
- અત્યાર સુધી 39 લોકોના બનાવટી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવ્યા
અમદાવાદ: ક્રાઈમ બ્રાંચને વધુ એક સફળતા મળી છે. જેમાં શહેરમાં બનાવટી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવાનું રેકેટ ચલાવતા 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી લાઇસન્સ, આધારકાર્ડ, મોબાઈલ ફોન તથા એક એક્ટિવા જપ્ત કર્યું છે.
બાતમીના આધારે ઝડપાયું રેકેટ
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને આ અંગે બાતમી મળી હતી. આ બાતમીને આધારે તેમણે શહેરમાં જુહાપુરા બરફની ફેક્ટરીવાળા નાકા ખાતેથી આરોપી અફસરુલ શેખને તેના બનાવટી ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પૂછપરછ દરમિયાન પોતે આ લાઇસન્સ અમદાવાદમાં ફતેવાડી ખાતે રહેતા મારુફમુલ્લા પાસેથી 6 હજાર રૂપિયામાં બનાવડાવ્યુ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે અફસરુલને સાથે રાખીને ફતેવાડીમાં રહેતા મારુફમુલ્લાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં હતા.
આરોપીએ ગુનાની આપી કબૂલાત
પોલીસે ફતેવાડીમાં રહેતા મારુફમુલ્લાના ઘરે જઈને તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પૂછપરછમાં મારુફ મુલ્લા પોતે ઘણા સમયથી પોતાના ઘરમાં જ બનાવટી લાઇસન્સ બનાવતો હોવાનું કબૂલ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે 39 જેટલા ઈસમોને આવા બનાવટી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવી આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે જ આરોપીએ જણાવ્યું કે, તે પોતાના ગ્રાહકો પાસેથી ટુ વ્હિલર અને ફોર વ્હિલરના લાઇસન્સ પેટે 5 હજાર જ્યારે માત્ર મોટરસાયકલ માટેના લાઇસન્સ પેટે 2500 વસૂલતો હતો. જેથી પોલીસે આરોપી પાસેથી મળી આવેલા આવા લાઇસન્સ ઉપરાંત અન્ય કયા ઈસમોને આવા લાઇસન્સ બનાવી આપ્યા છે તથા તેની સાથે અન્ય કયા માણસો સંકળાયેલા છે તેની તપાસ હાથ ધરી છે.