- વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ'નું થયું ઉદ્ઘાટન
- જુદી-જુદી રમતો રમાશે અને તેની એકેડેમી પણ શરૂ કરાશે
- હોકી ખેલાડીઓને ટ્રેનિંગ આપશે ધનરાજ પીલે
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ'નું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 24 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. આ સમયે તેમની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત હતા. તેઓએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારને 'સરદાર પટેલ સપોર્ટસ એન્કલેવ' તરીકે વિકસાવવામાં આવશે. ત્યારે અહીં જુદી-જુદી રમતો રમાશે અને તેની એકેડેમી પણ શરૂ કરાશે. આ તકે ગુજરાતના અને ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખેલાડીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પીલીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
સવાલઃ આ સ્પોર્ટ્સ એન્કલેવમાં દરેક રમતને સ્થાન અપાયું છે, ત્યારે હોકી માટે આપનો શું વિચાર છે?
જવાબઃ અહીં સ્પોર્ટ્સ એન્કલેવમાં હોકી માટે પણ મેદાન બનશે. હોકીનું મેદાન ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને દેવગઢ બારિયામાં છે. ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના પ્રયત્નો છે કે, દરેક જગ્યાએ રમતોને ઉત્તેજન મળે, બાળકો આગળ આવે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર આપી રહી છે અને ખેલાડીઓને તેનો ફાયદો થશે.
સવાલઃ હોકીને આગળ લાવવા શું પ્રયત્નો થઈ રહ્યાં છે ?
જવાબઃ અત્યારે હોકીના પૂર્વ ખેલાડીઓ અને સરકાર દ્વારા હોકીને આગળ લાવવા જે પ્રયત્નો થઈ રહ્યા છે, તે સારા છે. ફેસિલિટી સારી છે, તેમાં ઉમેરો થઈ રહ્યો છે. ખેલાડીઓ પણ હોકી રમવા માટે આગળ આવી રહ્યા છે.
સવાલઃ આપ આ સ્પોર્ટ્સ એન્કલેવમાં કોચ તરીકે જોડાશો ?
જવાબઃ છેલ્લા પાંચ વર્ષથી હું અહીં જોડાયેલો છું. દરેક ડિસ્ટ્રીક્ટમાં અમે જઈએ છીએ, ટેલેન્ટેડ બાળકોને અમે શોધીએ છીએ અને તેને આગળ લાવવા માટે પ્રયત્નશીલ છીએ. દરેક રાજ્યમાં ટેલેન્ટ હોય છે, ગુજરાતમાં પણ ટેલેન્ટ છે. હોકીનું ગઢ ગુજરાત મનાતું ન હોતું, પરંતુ હવે ગુજરાતમાંથી ખેલાડીઓ આગળ આવ્યાં છે. છોકરા-છોકરીઓ સારી રીતે દરેક રમતમા આગળ આવી રહ્યા છે, સમય બદલાઈ રહ્યો છે.
સવાલઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું છે, તેને લઈ આપની પ્રતિક્રિયા ?
જવાબઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું છે. ત્યારે ગુજરાતના લોકોએ, રમતવીરોએ અને ભારતીયોએ તેનો ગર્વ લેવો જોઈએ. ભવિષ્યમાં અહીં સ્પોર્ટ્સ એન્કલેવમથી દરેક રમતોમાં સારા ખેલાડીઓ ભારતને મળી રહેશે.