અમદાવાદ: વર્ષ 2012માં દિલ્હીના નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસમાં જે પ્રમાણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ જે રીતે દુષ્કર્મને લગતા કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો હતો, તે પરથી એવું લાગતું હતું કે હવે આ રીતે મહિલાઓના આત્મ સન્માન સાથે ચેડા થશે નહીં. પરંતુ આ ઘટમાળ અટકી નહી અને ગત વર્ષે હૈદરાબાદની વેટરનરી ડૉક્ટર, તેમજ આ વર્ષે હાથરસની દલિત યુવતી એમ વધુ બે નિર્ભયા સાથેની અમાનવીય બર્બરતા સામે આવી છે.
આ મુદ્દે અમદાવાદના પ્રખ્યાત સાયકોલોજીસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તરુણ અને યુવાવર્ગમાં જાતિયતાની ઈચ્છા તીવ્ર હોય છે. આ સમયગાળામાં તેઓ ગમે તે કરીને પોતાની જાતિયતાની ભૂખ સંતોષવા માગતા હોય છે. જ્યારે ખરા-ખોટાનું વિવેકભાન ન રહે ત્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે. તેમની જાતિયતાને ઉશ્કેરવામાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ફાળો પણ ઘણો છે. ઉપરાંત માતા-પિતા પણ તેમના બાળકો પર ધ્યાન નથી આપી શકતા કે, તેઓ શું યોગ્ય જોઈ રહ્યા છે અને શું અયોગ્ય !
ડૉ. પ્રશાંત ભીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણી વખત એવા વ્યક્તિઓ પણ કાયદાના સંઘર્ષમાં આવે છે કે જેઓ મૂળ સ્વભાવથી જ હિંસક વૃત્તિ ધરાવતા હોય. આવા લોકોની સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ જરૂરી છે. ખરેખર તો નાનપણથી જ બાળકોને એ પ્રકારે કેળવણી આપવી જોઇએ જેમાં તેઓ મહિલાઓનું સન્માન કરતા શીખે. તેમના શાળાકીય અભ્યાસક્રમમાં જ આ બધી બાબતોનો સમાવેશ કરવો જોઇએ. સમાજમાં લોકોને આદર આપવો, સેક્સ એજ્યુકેશન અને સ્ત્રીઓના સન્માનની વાતને કેળવણી તરીકે પ્રાધાન્ય આપવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે.
આ બધી બાબતો વચ્ચે અન્ય એક વિચિત્ર માનસિકતા એ પણ સામે આવી રહી છે. જેમાં દુષ્કર્મ કરનાર વ્યક્તિ પીડિતા પર હિંસક કૃત્યો આચરતા હોય છે. જેની પાછળ પણ્યાંકને ક્યાંક ભડકીલા, બિભત્સ કાર્યક્રમો જોવા, અયોગ્ય માનસિકતા ધરાવતા લોકોની સંગત જવાબદાર છે.
મા-બાપે ખાસ સમજવાની જરૂર છે કે તેઓ બાળકો ક્યાં કોના સંપર્કમાં છે તેનું તેઓ મોનિટરીંગ કરે, તેમને સાચા-ખોટાનો ભેદ સમજાવે અને તે અંગે યોગ્ય જ્ઞાન આપે. બાળકો જ સ્વસ્થ સમાજની રચનાનો પાયો છે. જો તેમનું પાયામાંથી જ વ્યવસ્થિત ઘડતર કરવામાં આવે તો જ એક આદર્શ સમાજની સ્થાપના થઇ શકશે.