અમદાવાદઃ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો લઈને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જો કે ભાજપે છેલ્લી ઘડીએ પાટીદાર ચહેરો અને એકસમયે કોંગ્રેસના અગ્રણી રહી ચૂકેલાં નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર જાહેર કરતાં જ કોંગ્રેસમાં પણ સોપો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નરહરિ અમીન એક સમયે કોંગ્રેસમાં મોભાનું સ્થાન ધરાવતા હતા. જેથી કોંગ્રેસના ઉમેદવારોને ટક્કર આપવા માટે ભાજપે નરહરિ અમીનને મેદાને ઊતારતાં રાજકીય સમીકરણો બદલાઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન સાથે ETV Bharatની ખાસ વાતચીત ગુજરાત સહિત અન્ય રાજ્યોની 18 બેઠકો માટેની રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બેઠકો ઉપર 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની 4 બેઠકો પર ચૂંટણી યોજાશે. 19મી જૂનના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 4 બેઠકો માટે સીધો જંગ જામશે. 5 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. કોંગ્રેસ તરફથી ભરતસિંહ અને શક્તિસિંહ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. કોરોનાના કારણે રાજ્યસભાની ચૂંટણી મૂલતવી રખાઈ હતી. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલા બારા અને નરહરિ અમીન ઉતરશે મેદાનમાં ઉતરશે.ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ કુલ સીટ 11 છે. આ પહેલા ભાજપે અભય ભારદ્વાજ અને રમીલા બારા અને કોંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પસંદગી થઈ છે. કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા નરહરિ અમીનને ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. નરહરિ અમીન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના પાટીદારો સાથે સંપર્ક ધરાવે છે.
આ અગાઉ વિધાનસભામાં ભાજપે નરહરિ અમીનને ટિકિટ આપી ન હતી, પણ હવે તેમને રાજ્યસભાની ટિકિટ અપાઈ છે. દેશમાં જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશની 4, ગુજરાતની 4, રાજસ્થાનની 3, મધ્યપ્રદેશની 3, ઝારખંડની 2, મણિપુર અને મેઘાલયમાં 1-1 બેઠક પર યોજાશે. ઉલ્લેખનીય છે કે, ખાલી પડેલી 55 માંથી 37 બેઠક બિનહરીફ જાહેર. 17 રાજ્યોની કુલ 55 રાજ્યસભા બેઠકો એપ્રિલમાં ખાલી થઈ હતી. આમાંથી હરિયાણા, હિમાચલ પ્રદેશ, સહિત અનેક રાજ્યોની મોટાભાગની બેઠકો પર નિર્વિરોધ ચૂંટણી થઈ. ફક્ત 18 રાજ્યસભા બેઠકો માટે મતદાન દ્વારા ચૂંટણી થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે સામાજિક અંતર ખૂબ જરૂરી હોવાના કારણે ચૂંટણી પંચે ચૂંટણી ટાળવાનો નિર્ણય લેવાયો હતો.