- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- AAP અને AIMIMની રાજ્યમાં એન્ટ્રી
- ભાજપ પ્રદેશ પ્રવક્તાનું નિવેદન, 70 ટકા લોકો ભાજપને વોટ આપશે
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, જેમાં આ વખતે રંગ બરાબર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણી લડી રહી છે. ઓવૈસીની પાર્ટીએ ભરૂચ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 6 મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. જેથી હવે ગુજરાતની જનતાને મત આપવા માટે 4 ઓપ્શન મળ્યા છે.
રોડ-શોની સફળતા પછી AAP બાજી મારશે?
ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીમાંથી દિલ્હીના ડેપ્યુટી સીએમ અને શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. મનીષ સિસોદિયાએ અમદાવાદમાં બે રોડ-શો કર્યા અને ત્યાર પછી રાજકોટમાં રોડ-શો કર્યો કર્યો હતો. મનીષ સિસોદિયાના રોડ-શોને ભારે સફળતા મળી હતી. મનીષ સિસોદિયાએ ETV Bharat સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપ 25 વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે, પણ કોઈ સારા કામ કર્યાં નથી અને દિલ્હીમાં કેજરીવાલની માત્ર 5 વર્ષની સરકાર તમે જુઓ. દિલ્હીમાં તમામ સરકારી સ્કૂલ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી બનાવી છે. સરકારી હોસ્પિટલમાં લોકોને સારી સારવાર મળી રહી છે. જનતાને કોર્પોરેશનમાં જવું પડતુ નથી. કોર્પોરેશન જનતાને ઘેર જાય છે. ગુજરાતમાં સરકારી શાળાઓ અને હોસ્ટિપટલોની હાત ખૂબ જ ખરાબ છે. તે ઉદારણ સાથે કહ્યું હતું કે AAPને મત આપો. અમે ભષ્ટ્રાચારને નાબૂદ કરીશું, અને સ્વચ્છ સરકાર આપીશું, આમ રોડ-શોની સફળતા પછી રાજકીય પંડિતોનો મત છે કે AAP આ વખતે બાજી મારશે. અને બેઠકો જીતીને પોતાનું ખાતુ ખોલાવશે. મનીષ સિસોદિયાના રોડ-શોને મળેલી સફળતા પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે, તે ચર્ચાઈ રહ્યું છે.
AIMIM મુસ્લિમ વિસ્તારોમાં ખાતુ ખોલાવશે?
બીજી તરફ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી પણ શનિવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેમણે બીટીપીના છોટુ વસાવા સાથે બેઠક કરી અને ભરૂચમાં જાહેરસભા કરી, ત્યારે પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ઓવૈસીએ જાહેરસભામાં કહ્યું હતું કે, આ ગુજરાત મોદી અને અમિત શાહનું ગુજરાત નથી. આ તો ગાંધીનું ગુજરાત છે અને હું ચૂંટણી માટે નથી આવ્યો, પણ તમને જગાડવા માટે આવ્યો છું. ભાજપ અને કોંગ્રેસ મામા ભાણેજની પાર્ટીઓ છે. બન્ને મીલીભગત છે. કોંગ્રેસ પાર્ટી મોદી અને અમિત શાહથી ડરે છે. ગુજરાતના દલિત અને મુસ્લિમ વિસ્તારોનો કોઈ વિકાસ થયો નથી. ભાજપ અને કોંગ્રેસને અત્યાર સુધી મત આપ્યો, તેમણે તમારા માટે શું કર્યું ?
AIMIM ગુજરાતમાં આવવાથી ભાજપાને મળશે મદદ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, AIMIM પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે થઈને B ટીમ તરીકે કાર્યરત થઇ છે, જ્યારે ઓવૈસીની પાર્ટી કોઈપણ શહેર અથવા રાજ્યમાં જાય છે તો તે તમામ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થતી હોય તેવું સાબિત થઇ રહ્યું છે ગુજરાતમાં પણ આ જ પ્રકારે ઓવેસી ની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે આવી રહી છે પરંતુ ગુજરાતની જનતા ખુબ જ હોશિયાર છે. એટલે કે આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઇપણ જાતનો ફરક કોંગ્રેસ પાર્ટીને પડશે નહિ તેવું તેમને જણાવ્યું છે.
કોંગ્રેસ નબળી પડી હોવાથી AIMIM બીજા નંબરનું સ્થાન લેવા ગુજરાતમાં આવી છે
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે ETV Bharat સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકતંત્રમાં કોઈપણ પાર્ટી ક્યાંયથી પણ ચૂંટણી લડી શકે છે, તે ગુજરાતમાં આવીને પણ ચૂંટણી લડી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગત 25 વર્ષમાં ગુજરાતમાં વિકાસના કાર્યો કર્યા છે. ગત 5 વર્ષથી પણ ભાજપના કાર્યકરો લોકોની વચ્ચે ગયા છે, ભાજપ આ સંબંધ પર જ આ ચૂંટણીઓ જીતશે. ગુજરાતના 70 ટકા લોકો ભાજપને જ વોટ આપશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પહેલા નંબરની પાર્ટી રહી છે. કોંગ્રેસ ખૂબ જ નબળી પડી ચૂકી છે. જેથી ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા બીજી પાર્ટીઓ આવી રહી છે.