અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી 19 માર્ચે યોજાવાની છે, તે પહેલા કોંગ્રેસમાંથી કુલ 8 ધારાસભ્યોના રાજીનામાં આવ્યા છે. કોરોના વાઇરસની મહામારીને પગલે લૉકડાઉન આવ્યું તે પહેલા 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી, પણ લૉકડાઉન અને કરફ્યૂને કારણે આ ચૂંટણી રદ કરવી પડી હતી. હવે અનલોક-1 શરૂ થતાની સાથે ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખ જાહેર કરી છે.
26 માર્ચ પહેલા પાંચ ધારાસભ્યોના રાજીનામા આવ્યા હતા, અને હવે છેલ્લા બે દિવસમાં બીજા ત્રણ ધારાસભ્યોના રાજીનામા આવ્યા છે. ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના (1) અભય ભારદ્વાજ (2) રમીલાબહેન બારા અને (3) નરહરિભાઈ અમીને ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાંથી (1) શક્તિસિંહ ગોહિલ અને (2) ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. આમ 4 બેઠકો માટે 5 ઉમેદવાર થતાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાજકારણ ગરમાયું છે.
અત્યાર સુધીમાં કુલ 8 ધારાસભ્યોના રાજીનામાં આવ્યા છે. હવે ગુજરાત વિધાનસભામાં 8 ધારાસભ્યોના રાજીનામાં પછી કુલ સંખ્યાબળ 65 થયું છે. આથી ગણિત એવું કહે છે કે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી થઈ ગઈ છે. કોંગ્રેસમાંથી કોઈ એક ઉમેદવાર જીતશે.