અમદાવાદ : ચાંદખેડાની પોદાર સ્કુલના (Podar International School in Ahmedabad) વિદ્યાર્થી પાસેથી ડ્ગ્સ અને 2 લાખ રોકડા (Drugs e cigarettes were found from student) મળ્યાની વાતથી જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે (Team of District Education Officer) સ્કુલમાં તપાસ હાથધરી હતી. જોકે, શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થી પાસેથી માત્ર 12 હજાર મળ્યા હોવાનું જણાવ્યુ હતું. જે મામલે વિદ્યાર્થીના વાલીને પણ બોલાવવામાં આવ્યા હતા. બીજીતરફ કથિત ડ્રગ્સ અને 2 લાખ રોકડા મામલે શિક્ષણાધિકારી કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
વિદ્યાર્થીના દફતરની ચકાસણી કરતા ડ્રગ્સ અને રુપિયા 2 લાખ નિકળ્યા : ધોરણ-11માં અંગ્રેજી મિડિયમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના દફતરની ચકાસણી દરમિયાન તેની પાસેથી ડ્રગ્સ અને 2 લાખ રોકડા તથા ઇ-સિગારેટ મળી હોવાની વાત વાયુવેગે સ્કુલ સંકુલમાં ફરીવળી હતી. જે મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ જાણ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેરની ટીમ સ્કુલમાં દોડી ગઇ હતી. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુકે, ઉપરોક્ત મેસેજ મળતા તેઓની ટીમ દ્વારા સ્કુલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્કુલ મેનેજમેન્ટની પણ પુછપરછ કરવામાં આવી હતી.
સ્કુલ મેનેજમેન્ટે વાલીને કરી જાણ : સ્કુલ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓના દફતરનું વજન વધારે હોવાના મામલે રૂટીન ચેકિંગ કર્યુ હતું. જેમાં એક વિદ્યાર્થી પાસેથી 12 હજાર રોકડા મળી આવ્યા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમને જણાવ્યુ હતું. આ મામલે સ્કુલ મેનેજમેન્ટે વાલીને પણ જાણ કરી હતી અને વાલીએ ભુલથી પૈસા પુત્ર પાસે રહી ગયા હોવાનો ખુલાસો કર્યો છે. જોકે, DEOએ હાલ તુંરત ડ્રગ્સ અને બે લાખ રોકડા તથા ઇ-સિગારેટ મામલે કાંઇ કહેવાનું ટાળ્યુ હતું. આ મામલે તેમની ટીમ દ્વારા તપાસ ઉંડાણપુર્વક તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે ગંભીરતાથી લીધી : સમગ્ર દિવસ દરમિયાન સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચાસ્પદ બની રહી હતી. જે વિદ્યાર્થી પાસેથી ઉપરોક્ત ચીજવસ્તુ હોવાની વાત ફેલાઈ હતી તે વિદ્યાર્થીના પિતા માલેતુજાર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સ્કુલ મેનેજમેન્ટે વિદ્યાર્થીના પિતાને તાત્કાલીક અસરથી તેમના પુત્રનું અન્ય એડમિશન લેવા જણાવી દીધુ છે. જો, માત્ર 12 હજાર જેટલી રકમ મળે તો સ્કુલ મેનેજમેન્ટ આ પ્રકારનું પગલુ લે તે માન્યમાં આવે તેવી શક્યતા નહીવત છે. બીજીતરફ જે રીતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લીધી છે તે જોતા દાળમાં કાંઈક કાળુ હોવાની શક્યતા વધી ગઈ છે. આ મામલે ટીમ દ્વારા તપાસ રિપોર્ટ સોંપવામાં આવે ત્યારબાદ જ સાચી હકીકત બહાર આવે તેવી સંભાવના છે