ડ્રેગન ફ્રુટનું નામ કમલમ મુદ્દે રાજકારણ ગરમાયું, કમલમ હવે વેચાતું મળશે - ETV BHARAT Special Story
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રુટનું નામ બદલીને કમલમ ફ્રૂટ કર્યું છે, જેના માટે રાજ્ય સરકારે દરખાસ્ત મોકલી હતી, તેને ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચે મંજૂરી આપી છે. જોકે ડ્રેગન ફ્રુટનું નામ બદલાવાની સાથે રાજકીય રંગ પકડ્યો છે. રાજકીય ચર્ચાઓ ચગડોળે ચઢી છે કે હવે ફ્રુટના નામને પણ ભાજપના ભગવાની અસર થઈ છે. મંગળવારે ગાંધીનગરથી શરૂ થયેલી ચર્ચા આજે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ થઈ રહી છે.
- સીએમ રૂપાણીએ ડ્રેગન ફ્રુટનું નામ બદલી કમલમ કર્યું
- કોંગ્રેસે કહ્યું ભાજપ હવે ફ્રુટના નામ બદલી રહી છે
- કમલમ સંસ્કૃત શબ્દ છેઃ સીએમ રૂપાણી
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સંસ્કૃત શબ્દ પરથી કમલમ નામ આપ્યું છે. પણ ભાજપના કાર્યાલયનું નામ કમલમ છે, જેથી ફ્રુટનું નામ કમલમ કરાતાં આ જાહેરાત વધુ ચર્ચાસ્પદ બની છે અને તે મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપ અમદાવાદનું નામ કર્ણાવતી તો કરી શક્યા નહી, અને હવે ફ્રુટના નામ બદલી રહ્યા છે. બીજી તરફ એક કોમેન્ટ એવી પણ થઈ હતી કે, ડ્રેગન નામ વિચિત્ર છે. ડ્રેગન નામ ચીન સાથે જોડાયલું છે, આથી પણ ડ્રેગન ફ્રુટનું નામ બદલાવની ફરજ પડી છે.
વડાપ્રધાન મોદીના મત કી બાતમાં ડ્રેગન ફ્રુટ
હકીકત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 જુલાઈ, 2020ના રોજ મન કી બાત કાર્યક્રમમાં કચ્છના ડ્રેગન ફ્રુટનો દાખલો આત્મનિર્ભર ભારત સંકલ્પ માટે આપ્યો હતો. ઊંચી ગુણવત્તા તથા ઓછી જમીનમાં ડ્રેગન ફ્રુટ ડ્રેગન ફ્રુટના વધુ ઉત્પાદન માટે કચ્છના ખેડૂતોને બિરદાવ્યા હતા. તે વખતે કચ્છના ખેડૂતોએ આ ડ્રેગન ફ્રુટનું નામ બદલીને કમલમ ફ્રુટ કરવા રજૂઆત કરી હતી. સાંસદ વિનોદ ચાવડાને જાણ કરીને કમલમ ફ્રુટ કરવા સુચન કર્યું હતું અને કચ્છના ખેડૂતોએ તે વખતથી જ ડ્રેગન ફ્રુટના નામથી વેચાણ કરવાનો સંકલ્પ પણ લીધો હતો.
ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનું પ્રમાણ વધ્યું
ગુજરાતમાં મધ્યગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના કહેવા પ્રમાણે ડ્રેગન ફ્રુટના એક વખત રોપા વાવો તો 20 વર્ષ સુધી ખેતી કરવી પડતી નથી અને ફ્રુટ આવ્યાં કરે છે. આ ફ્રુટના ભાવ પણ સારા મળી રહ્યા છે, જેથી વધુને વધુ ખેડૂતો હવે ડ્રેગન ફ્રુટ તરફ વળ્યા છે. એમ કહેવાઈ રહ્યું છે કે કેન્સર જેવી ઘાતક બિમારી સામે આ ફ્રુટ રક્ષણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ ખેતી કરનારને વન વિભાગ આર્થિક સહાય પણ આપે છે.
લોહીના રક્તકણો વધારવા માટે ઉત્તમ ફળ છે
ગુલાબી રંગનું આ ફ્રુટ મુળ ચાઈનાનું ફ્રુટ છે, પણ તેની ખાસિયત એ છે કે લોહીના રક્તકણો વધારવાની આ ફળમાં ખૂબ શક્તિ છે. માનવ શરીરમાં પ્લેટેટ્સ ઓછા હોય ત્યારે આ ડ્રેગન ફ્રુટ ખૂબ ગુણકારી છે. આ ફ્રુટનો ચ્વનપ્રાસ અને અન્ય ઔષધિઓ બનાવવમાં વપરાય છે. ડ્રેગનનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ કેકટ્સ છે. કચ્છના સુકાપ્રદેશમાં એક હજાર એકરમાં ડ્રેગન ફ્રુટની ખેતી થઈ રહી છે. કમળ જેવું દેખાતું ડ્રેગન ફ્રુટ હવે કમલમ નામથી ઓળખાશે. ગુજરાત સરકાર તેના માટે હવે પેટન્ટ લેવા અરજી પણ કરશે.
કોગ્રેસના પ્રવકતાએ કહ્યું કે કમલમ હવે લારીઓ પર વેચાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાને તો ચાઈનીઝ ફ્રુટનું નામ "ડ્રેગન" થી બદલી "કમલમ" કરી નાખ્યું છે. આ નિર્ણય પર પણ યુ ટર્ન મારવો પડશે કેમ કે ચીનને જવાબ આપવા જતા કમલમ પર જ સવાલ ઉભા થયા છે. હવે કમલમ રેંકડીએ અને છાબડીએ નંગના ભાવે વેચાશે, ત્યારે ચાઈનાનું તો ઠીક જે થવું હશે તે થશે પણ ભાજપના કાર્યકરની શી વલે થશે એ વિચાર્યુ છે? જે કમલમમાં બેસી આખાય રાજ્યની રણનીતિ ઘડાતી હોય તે કમલમ શાકની લારીએ સો-બસોના ભાવે વેચાશે. કમલમના કંઈ સો રૂપિયા હોતા હોય? અલ્યા, આ કમલમ તો સડેલું છે, આપવુ હોય તો સો માં બે કમલમ આપ નહીતર લારીએ પડ્યું પડ્યું સડી જશે, આવા ડાયલોગ મહિલાઓના મોઢે સાંભળી સાંભળી ભક્તોની મનોદશા શું થશે એનો વિચાર વિજયભાઈએ કર્યો હોય તેવું લાગતું નથી. કોંગ્રેસના ધારાસભ્યોને લાખો કરોડોમાં ખરીદી જે કમલમના આંગણે પોંખાય છે એ કમલમ ખુદ સો-બસોના ભાવે પીંખી નાખ્યુ હોય તેવુ નથી લાગતું?
ચીનને જડબાતોડ જવાબ આપવા વિજયભાઈએ ઉલટું કર્યું છે
જયરાજસિંહએ વધુંમાં ઉમેર્યું હતું કે ખરેખર તો ચાઈનીઝ ફ્રૂટનું નામ ડ્રેગન જ રાખ્યુ હોત તો તેના ચપ્પાથી બે ફાડીયા કરવાના સામુહીક કાર્યક્રમો આપી ચીનને જડબાતોડ જવાબ આપ્યાનો સંતોષ ભાજપ મેળવી શક્યું હોત. મીસકોલીયા સભ્યોને ડ્રેગનને બચકા અને ડૂચા ભરવા ઉશ્કેરી દેશ ભક્તિનો પારો ચઢાવી શકાત. વિજયભાઈએ તો ઉલ્ટુ કર્યુ. હવે કમલમને કાપતા, બચકા ભરતા ભક્તોનો જીવ કેમ ચાલશે? રીવરફ્રન્ટ પર ગુજરાતના લોકોના ટેક્ષના પૈસે જીનપીંગને ઝુલે ઝુલાવનાર મોદીજી સાથે થયેલા દગાનો બદલો લેવા જતા વિજયભાઈએ કમલમનું કાચુ કાપ્યુ છે. પાકીસ્તાનના ઈંદિરાજીએ બે ટુકડા કર્યા હતા, જ્યારે મોદીજી પાકિસ્તાની કેકના ટુકડે ટુકડા કરી પાછા ફર્યા હતા એનો ઇતિહાસ સાક્ષી છે. કમસેકમ રૂપાણી સાહેબ ચીનના અવેજમા ડ્રેગન ફ્રૂટના બે ટુકડા કરી શકતા, પરંતુ તક ગુમાવી દીધી. રાજનીતિમાં "ફૂટનીતિ" સાંભળી હતી, પણ રૂપાણી સાહેબની "ફ્રૂટનીતિ" નવી આવી.
ચૂંટણી આવે ત્યારે ભાજપ નાટક કરે છેઃ ડૉ. મનીષ દોશી
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડ્રેગન એ ચીનની ઓળખ છે. જે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને મુખ્યપ્રધાને કમલમ કર્યું છે. ડ્રેગનની માનસિકતા છે વિસ્તારવાદની છે, હવે તેનું નામ કમલમ કર્યું તે રીતે જ ભાજપની નીતિ પણ વિસ્તારવાદની જ છે. બધુ જ છિનવી લેવાની માનસિકતા ધરાવતો ભાજપ પક્ષ ફ્રુટનું નામ બદલવા નિકળ્યો છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ભાજપ આવા નાટક કરે છે. ખરેખર ભાજપે નીતિ અને નિયત બદલશે તો જ લોકોનું ભલું થશે.
ખેડૂત કહે છે કે ડ્રેગન નામ વિદેશી છે
બનાસકાંઠાના ડીસાના ખેડૂત શિવા માળી ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે, તેમણે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ખેતી કરી રહ્યા છીએ. ઈન્ટરનેટ અને યુટયુબના માધ્યમથી સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે ડ્રેગન ફ્રુટ સારી ઉપજ આપે તેવી ખેતી છે, તે અંગે અમે બધી સમજ મેળવી. અમે અમારા ખેતરમાં ડ્રેગન ફ્રુટ લગાવ્યુ. બે વર્ષ થઈ ગયા છે. ફળ આવવાના શરૂ થયા છે અને માર્કેટ તરફી રીસ્પોન્સ પણ સારો મળી રહ્યો છે. હવે આપણા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ફ્રુટનું નામ બદલીને કમલમ કર્યું છે, તેને અમે આવકારીએ છીએ. ડ્રેગન નામ વિદેશી લાગે છે, અને કમલમ નામ દેશી લાગે છે, જેથી તેના વેચાણમાં વધારો થશે.
અનેક રોગમાં ફાયદાકારક છે ડ્રેગન ફ્રુટઃ ડૉકટર યોગેશ ગુપ્તા
ડૉ. યોગેશ ગુપ્તાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ટ્રોપિકલ ફ્રુટ છે. આપ તેને કાપશો તો તેમાં ઘણા બધા સીડ્સ જોવા મળશે. ઉપરથી તે રેડ અથવા પિન્ક કલરનું હોય છે, આ ફ્રુટ કમળના ફુલ જેવું લાગે છે માટે સરકારે તેનું નામ કમલમ રાખ્યું હશે. કમલમના ફાયદાની વાત કરીએ તો તેને સુપર ફૂડ કહેવાય છે. તેમાં ઝીરો ફેટ છે. તે એન્ટીઓક્સિડન્ટ છે.
તેમાં બિયાલાયન્સ સહિત અનેક વિટામીન છે. એન્ટીઓક્સિટન્ટ એટલે કેન્સર, ડાયાબિટીશ, હ્રદય રોગમાં આ ફ્રુટ મદદ કરે છે. આ ફ્રુટમાં હાઈ ફાયબર કન્ટેન્ટ પણ છે. હાઈ વિટામીન સી પણ મળ્યું છે. કોરોનાના સમયે આપે સાંભળ્યું હશે કે વિટામીન સી લેવાથી ઈમ્યુનિટી વધે છે. તો ડ્રેગન ફ્રુટમાં વિટામીન સી મળે છે. તે તમારી સ્કીને પણ સારી કરે છે. આર્યન અને મેગનેસીયમ મળે છે. આ ફ્રુટ પ્રિ બાયોટિક છે, તેનાથી પાચનશક્તિ વધે છે. એટલે અનેક રોગમાં આ ફ્રુટ ઉપયોગી છે
-ભરત પંચાલ, બ્યુરો ચીફ, અમદાવાદ