- AMTS બસ સેવાનું 530 કરોડનું ડ્રાફ્ટ બજેટ
- લાલ દરવાજા ટર્મિનલ હેરિટેજ બનાવવાનો કરાયો ઉલ્લેખ
- આઉટર રિંગ રોડ પર સર્વે બાદ શરૂ કરાઈ શકે છે AMTS બસ સેવા
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસ સેવાનું વર્ષ 2021નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે પ્રમાણે આગામી વર્ષ માટે 523.13 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. બજેટમાં ગત વર્ષ કરતાં 50 કરોડ રૂપિયા વધારે ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: BRTS-AMTS બંધ-રિક્ષા ચાલકોને મન ફાવે તેવા ભાવ લે છેઃ વિદ્યાર્થીઓ
નવી 150 નોન AC બસ દોડાવાશે
સામાન્ય દિવસોમાં રસ્તા પર 700 જેટલી AMTS બસ સેવા ચાલુ રહેતી હોય છે. તહેવારો અને રવિવારના દિવસે પ્રવાસીઓની સંખ્યા ઓછી રહેતી હોય છે. અમદાવાદના રસ્તા પર હાલમાં કુલ 758 જેટલી બસ દર દિવસે ચાલી રહી છે. જેમાં 50 બસ કોર્પોરેશનની, 708 બસ ખાનગી સંચાલકોની છે. આ ઉપરાંત સપ્ટેમ્બર 2021 સુધીમાં 'મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા' હેઠળ ખાનગી ઓપરેટરો પાસેથી મેળવીને નવી 150 નોન AC બસ દોડાવવામાં આવશે. આ સાથે જ અમદાવાદ શહેરનો વિસ્તાર મોટો થતો હોવાથી શહેરના આઉટર રિંગરોડ પર સર્વે કર્યા બાદ શકીલા અને સર્ક્યુલર રૂટની AMTS દ્વારા ચાલુ કરવાનો વિચાર બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તહેવારોમાં AMTSની આવક ઘટી, તંત્રને મોટું નુકસાન
ગત વર્ષે 131 કરોડની આવકના અંદાજ સામે માત્ર 35 કરોડ મળ્યા
કોરોનાને કારણે વર્ષ 2020-21માં તમામ ધંધા-રોજગારો પર અસર પડી છે. ત્યારે AMTS બસ સુવિધા પણ આ નુકસાનમાંથી બાકાત રહી નથી. કોરોનાની માઠી અસર પડતા ગત વર્ષે 131 કરોડની આવકના અંદાજની સામે માત્ર 35 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જોકે, કોરોના મહામારી દરમિયાન AMTSની બસ ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો માટે દોડાવવામાં આવી હતી. આ સાથે જ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન જવા માટે જુદા-જુદા સ્થળેથી બેસાડીને રેલવે સ્ટેશન, ગીતામંદિર અને ST બસ સ્ટોપ સુધી પહોંચાડવા માટેની કામગીરી તંત્ર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી હતી.