અમદાવાદ: કોંગ્રેસને કોરોના વોરિયર્સનું સન્માન કરવાનું શિખવતા ભાજપના નેતાઓ અને કાર્યકરો પોતે ખુદ કોરોના વોરિયર્સનું સન્માન કરતા નથી. ભાજપ સાથે 25 વર્ષથી જોડાયેલા અને કોરોના વાઈરસના સંક્રમણના સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ડોક્ટર સેલના 133 સભ્યોમાંથી એક સભ્ય એવા ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયનું કોરોના વાઈરસના કારણે આજે 25 મેના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. આ મુદ્દે ભાજપ દ્વારા એક પણ પ્રતિક્રિયા આવી નથી.
ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓર્થોપેડિકમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને તેઓ છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રે સંકળાયેલા હતા. બાપુનગર ખાતે તેઓ પોતાનું ક્લિનિક ચલાવતા હતા. તેમના પુત્ર અને પત્ની બંને ડોક્ટર છે.
ભાજપ ડોકટર સેલના ડૉ.આદિત્ય ઉપાધ્યાયનું કોરોના વાઈરસને કારણે મોત સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયને કોરોના વાઈરસનો ચેપ લાગતાં તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં થોડા દિવસની સારવાર બાદ નિષ્ણાત ડોક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. તારીખ 25 મેના રોજ બપોરે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. અહીં નોંધવા લાયક બાબત છે કે, કોંગ્રેસે કરેલા આક્ષેપોનો જવાબ આપવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરત જ મેદાનમાં કૂદી પડતા હોય છે. વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની વાહવાહી કરવામાં તેઓ કોઈપણ જાતની કચાસ રાખતા નથી, પરંતુ પોતાની જ પાર્ટીના એક સંનિષ્ઠ સદસ્યના મોત પર તેઓએ શોક સંદેશ તો દૂરની વાત, કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.