- છાણ તેમજ ગૌમૂત્ર મ્યુકોરમાઈકોસિસ જેવા ચેપી રોગના પ્રમાણમાં વધારો કરી શકે છે
- પ્રાણીઓના શરીરનો કચરો એટલે છાણ, જે નુક્સાન કરી શકે છે: ડૉ. મોના દેસાઈ
- ચેપી રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશ કરતા મ્યુકોરમાઈકોસિસ વધી રહ્યો છે
અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં ચેપી રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજયમાં એક પણ એવો જિલ્લો નહીં હોય કે જયાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) નો કેસ ન હોય. પહેલા આ રોગ માત્ર ગણતરીના જ દર્દીઓમાં જોવા મળતો હતો, પરંતુ હાલમાં આ ફંગલ ઇન્ફેકશન વધી રહ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન લોકો છાણ, ગૌમૂત્રની થેરાપી તરફ પણ વળ્યા છે. છાણ અને ગૌમૂત્રમાં ફંગસ એટલે કે ફૂગ હોવાના કારણે મ્યુકોરમાઈકોસિસ સહિતના ફંગલ ઇન્ફેકશન વધવાની શક્યતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઇએ વ્યક્ત કરી છે.
SGVP હોસ્પિટલમાં ગૌમૂત્ર અને છાણની થેરાપી આપવામાં આવે છે
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા સ્વામિનારાયણ ગુરુકળમાં દર્દીઓને કોરોનાની સારવારમાં ગાયના છાણને શરીર પર લગાવવામાં આવે છે. જેને ડોક્ટરોએ ખોટી રીત ગણાવી છે. ખોટી રીતે સારવાર કરવાથી ફંગલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થઇ શકે છે. જેમાંથી મ્યુકોરમાઈકોસિસના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે. જોકે, આ બાબતે SGVP હોસ્પિટલના ડોક્ટરોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે ડોક્ટરો દ્વારા કોઇ પણ જાતની જાણકારી આપવામાં આવી નથી.
આ થેરાપી બોગસ અને અવિશ્વસનીય લાગે છે: ડૉ. મોના દેસાઈ
ડૉ. મોના દેસાઈના જણાવ્યા પ્રમાણે, છાણ અને મૂત્ર પ્રાણીઓના શરીરનો કચરો છે. આ કચરામાં મોટા પ્રમાણમાં જીવાત હોય છે. જો આ જીવાતો માનવ શરીરમાં પ્રવેશે તો ચેપી રોગના પ્રમાણમાં વધારો થઈ શકે છે. ગાયનું છાણ શરીર પર લગાવવાની થેરાપીથી કોરોના સામે ઇમ્યુનિટી વધે છે, તેવું કોઈ રિસર્ચમાં સાબિત થયું નથી. ગાયના છાણ-મૂત્ર ઇમ્યુનિટીને ક્યારેય વેગ આપી શકતા નથી, જેથી આ થેરાપી બોગસ અને અવિશ્વસનીય લાગે છે.